મુંબઇગરાં નામના ચાતકને આ સપ્તાહના અંતે ભીનો ભીનો હાશકારો થાય તેવાં એંધાણ છે. હવામાન ખાતાએ એવો વરતારો આપ્યો છે કે ૨૪ -૨૫, જૂન દરમિયાન મેઘરાજાની સવારી સાથે મુંબઇનું ગગન વરસે તેવાં કુદરતી પરિબળો સાનુકુળ બની રહ્યાં છે.
બીજીબાજુ મુંબઇમાં આવતા ચારેક દિવસ હળવી વર્ષા થવાની શક્યતા છે. જોકે ૨૬, જૂને મુંબઇ નજીકનાં થાણેમાં અને ૨૩થી ૨૬, જૂન દરમિયાન રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં ભારે વર્ષા(યલો એલર્ટ) થાય તેવાં તોફાની પરિબળો આકાર લઇ રહ્યાં છે.
સાથોસાથ ૨૫,૨૬ દરમિયાન નાશિક અને પુણેમાં પણ મુશળધાર વરસાદ વરસે(યલો એલર્ટ) જ્યારે ૨૩ થી ૨૬, જૂન દરમિયાન મરાઠવાડા અને વિદર્ભમાં મેઘગર્જના, વીજળીના કડાકા, તીવ્ર પવન સાથે ભારે વર્ષા થાય તેવો માહોલ સર્જાઇ રહ્યો છે.
હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનિલ કાંબળેએ ગુજરાત સમાચારને એવો સંકેત આપ્યો હતો કે ૨૦૨૩ની વર્ષા ઋતુનું રૃમઝૂમ આગમન ગઇ ૧૧, જૂને મહારાષ્ટ્રના રત્નાગિરિમાં થઇ ગયું છે. જોકે અરબી સમુદ્રમાં બીપરજોય સાયક્લોનના જબરા તોફાનને કારણે વર્ષા ઋતુ રત્નાગિરિથી આગળ ન વધી શકી અને મુંબઇના આંગણે ન આવી શકી. આમ આ વરસે મુંબઇમાં મેઘરાજાની સવારી ૧૨ કરતાં વધુ દિવસ મોડી પહોંચે તેવી શક્યતા છે.
આમ છતાં હવે બીપરજોય અરબી સમુદ્રમાંથી જમીન પર આવીને સંપૂર્ણ વિખેરાઇ ગયું હોવાથી ચોમાસાને રત્નાગિરિથી મુંબઇ ભણી આવવામાં કુદરતી પરિબળો ફરીથી સક્રિય થયાં છે. એટલે કે ચોમાસાને અરબી સમુદ્રમાંથી ફરીથી ભરપૂર ભેજ મળી રહ્યો છે.પવનની દિશા અને ગતિ બંને નૈઋત્યનાં છે. સાથોસાથ ચોમાસાના પલ્સીસ પણ સક્રિય બની રહ્યા છે.
આમ મુંબઇમાં મેઘરાજાની સવારી ૨૪,૨૫- જૂન દરમિયાન આવી પહોંચે તેવા મોન્સૂન મોડેલ્સ દ્વારા એવા સાનુકુળ સંકેત મળી રહ્યા છે.
આજે કોલાબામાં દિવસનું તાપમાન ૩૪.૪ અને રાતનું તાપમાન ૨૮.૪ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં દિવસનું તાપમાન ૩૪.૫ અને રાતનું તાપમાન ૨૮.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૭૭ –૬૩ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૧ –૫૯ ટકા રહ્યું હતું.