દિવાળી અને લગ્નની સિઝન નજીક હોવાથી ખેડૂતો ઉતાવળા બન્યા, ટેકાનાં ભાવ વધારવા માગણી
રાજકોટ, તા. 26 ઓક્ટોબર 2020, રવિવાર : ટેકાના ભાવે મગફળીની ખરીદી આવતીકાલથી શરુ થઈ રહી છે પરંતુ ખુલ્લા બજારમાં ટેકાના કરતા ખુબ સારા ભાવ ખેડૂતોને મળી રહયા હોવાથી ખુલ્લા બજારમાં મગફળી વેચવા ખેડૂતો ઉમટી રહયા છે. રાજકોટ સહિત સોૈરાષ્ટ્રનાં માર્કેટ યાર્ડોમા રવિવાર બપોરથી મગફળી ભરીને વાહનોનાં થપ્પા લાગી જતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
સરકારે ટેકાનાં ભાવ રુ. ૧૦પપ રાખ્યા છે પરંતુ ખુલ્લા બજારમાં મગફળીનાં મણનાં ભાવ હાલ રુ. ૧ર૦૦ ની આસપાસ મળી રહયા છે. જામનગરનાં હાપા યાર્ડમાં તો રુ. ૧૪૦૦ સુધી ભાવ મળ્યા હતા. ખુલ્લા બજારમાં ટેકાનાં ભાવ કરતા ઉંભા ભાવ મળી રહયા હોવાથી મોટા ભાગના ખેડૂતો ટેકાની ખરીદીની ઝંઝટમાં પડવા માગતા ન હોવાનું ખેડૂત આગેવાનોએ જણાંવ્યુ હતુ. ટેકાનાં ભાવમાં વેચવા જવા માટે કયારે તંત્રનો મેસેજ આવે તે નકકી નથી બીજુ વાહન ભાડે કરીને માલ ખરીદ કેન્દ્ર સુધી લઈ જઈ કલાકો સુધી કતારમાં રાખ્યા બાદ સેમ્પલ પાસ થશે કે નહી તે મોટો પ્રશ્ન છે આ ઉપરાંત માલ વેચ્યા બાદ કયારે ખેડૂતને પૈસા મળશે તે નકકી હોતુ નથી. ખુલ્લા બજારમાં તો ખેડૂતોને વેપારી તરત પૈસા આપી દે છે.
દિવાળીનાં તહેવારો અને લગ્નની સિઝન આવી રહી હોવાથી લાંબો સમય તૈયાર પડેલી મગફળી ઘરે રાખવાને બદલે શકય તેટલી વહેલી વેચીને પૈસા લઈ લેવા માગે છે. ટેકાનાં ભાવે ખરીદી માટે ૯૦ દિવસની મર્યાદા છે અને હજારો – લાખો ખેડૂતોએ નોંધણી કરાવી છે. પ્રથમ દિવસે ર૦ પછી પચ્ચીસ કે પચાસ ખેડૂતોને બોલાવે તો પણ કયારે વારો આવશે તે નકકી નથી. આ સજોગોમાં મગફળી વેચવા ખુલ્લા બજારમાં ખેડૂતોએ કતારો લગાવી છે. આવતીકાલે સોમવારે સવારે હરાજી શરુ થાય તે પહેલા રવિવારે બપોરથી વાહનોનાં થપ્પા લાગી ગયા છે. રાજકોટ બેડી યાર્ડ, જસદણ અને ગોંડલમાં એક થી બે કિ.મી. લાંબી કતારો લાગી છે. બીજી તરફ સરકાર ટેકાનાં ભાવ વધારે તેવી ખેડૂત સંગઠનો દ્રારા માગણી કરવામાં આવી રહી છે.