રાજકોટ જિલ્લામાં સાતમી આર્થિક ગણતરી ૧૪ મહિનાની એકધારી મહેનત બાદ પૂરી કરવામાં આવેલ હોવાની જાહેરાત સમીક્ષા બેઠકમાં કરવામાં આવી હતી જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં અપાયેલી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં ૧૧,૬૨,૫૩૦ મિલકતો આવરી લેવામાં આવી છે જેમાં ૯,૮૫,૨૫૬ રહેણાંક, ૧,૨૯૦૫૨ કોમર્શિયલ અને ૪૭૬૨૫ અન્ય પ્રકારની મિલકતોનો સમાવેશ થાય છે.
જિલ્લા આયોજન અધિકારી ટોપરાણી અને જિલ્લા આંકડા અધિકારી વી.બી. માંડલિયા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આપવામાં આવેલી માહિતી મુજબ ગત તારીખ ૧૫ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સાતમી આર્થિક ગણતરીનો શુભારંભ કરાવ્યો હતો અને રાજકોટ જિલ્લામાં ૧૯૭૯ ગણતરીદારો અને ૨૨૫ સુપરવાઇઝર મળીને ૨૨૦૪ કર્મચારીઓ અને અધિકારીઓની મદદથી આ કામગીરી શરૂ કરવામાં આવી હતી ક્ષેત્રિય તથા સુપરવીઝન લેવલ-૧ની કામગીરી ૧૦૦ ટકા પૂરી કરવામાં આવી છે.
ભારત સરકાર અને રાજ્ય સરકાર સમયાંતરે વ્યક્તિઓ કુટુંબો અને સંસ્થાઓ પાસેથી વિવિધ સામાજિક અને આર્થિક બાબતોની માહિતી એકત્ર કરે છે જેનો ઉપયોગ નીતિ અને યોજનાઓના ઘડતર માટે કરવામાં આવે છે આર્થિક ગણતરીનું સમગ્ર સંચાલન ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે અને તેમાં કેન્દ્ર સરકારની ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ અને ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર તથા આંકડાશાસ્ત્ર કચેરી દ્વારા કામ કરવામાં આવતું હોય છે પ્રથમ વખત મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરી ગુજરાતમાં સાતમી આર્થિક ગણતરી કરવામાં આવી હતી.
સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ આર્થિક ગણતરી ઘણી મહત્વની છે અને એના પરથી જે તે રાજ્ય જિલ્લા તાલુકા અને ગામમાં જુદા જુદા મહોલ્લામાં કયા પ્રકારના રોજગાર ઉપલબ્ધ છે તેમાં કેટલા લોકો રોકાયેલા છે રોજગાર વધારવા માટે શું કરી શકાય લોકોની સુખાકારી અને આર્થિક પ્રગતિમાં વધારો કરવા કયા પ્રકારના રોજગારોને પ્રોત્સાહન આપવુ અને કયા પ્રકારની યોજના અમલમાં મૂકવી જેવી અગત્યની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે અને લાંબાગાળાના આર્થિક આયોજનમાં એ અતિ ઉપયોગી સાબિત થાય છે.
આર્થિક ગણતરીમાં પ્રથમ વખત મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ
કેન્દ્ર સરકારના ગવર્નન્સ સર્વિસ ઇન્ડિયા લિમિટેડ અને ગુજરાત સરકારના અર્થશાસ્ત્ર તથા આંકડાશાસ્ત્ર કચેરી દ્વારા હાથ ધરાયેલી સાતમી આર્થિક ગણતરી માં સૌપ્રથમ વખત મોબાઈલ એપ્લીકેશન નો ઉપયોગ કરવામાં આવેલ છે.