ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઈ, 12,600 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું

પોરબંદર તાલુકામાં 20માંથી 7, રાણાવાવમાં 10 માંથી 4 અને કુતિયાણા તાલુકામાં 20 માંથી 16 ખેડૂતો ચણાના વેચાણ માટે આવ્યા હતા.

પોરબંદરમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરાઈ છે. ઘેડ પંથકમાં ચણાનો પાકનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે ત્યારે 12600 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં તાલુકામાં 20 માંથી 7, રાણાવાવમાં 10 માંથી 4 અને કુતિયાણા તાલુકામાં 20 માંથી 16 ખેડૂતો ચણાના વેચાણ માટે આવ્યા હતા. સરકાર દ્વારા ચણાના પાકની ટેકાના ભાવે ખરીદી માટે ગત તા. 1 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી રજિસ્ટ્રેશન કરતા કુલ 12600 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. પોરબંદર તાલૂકા માંથી 6030 ખેડૂતો, રાણાવાવ તાલુકા માંથી 1275 અને કુતિયાણા તાલુકા માંથી 5295 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.

સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનો પ્રારંભ થયો છે. અને 1020 રૂપિયા લેખે મણના ભાવથી ખરીદી થશે. પ્રથમ દિવસે પોરબંદર તાલુકા માંથી 20, કુતિયાણા તાલુકા માંથી 20 અને રાણાવાવ તાલુકા માંથી 10 ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવ્યા હતા. પોરબંદર અને રાણાવાવ તાલુકા માટે માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્ર રાખવામાં આવ્યું છે જ્યારે કુતિયાણા તાલુકા માટે કુતિયાણાના ભારત મીલ ખાતે ખરીદી કેન્દ્ર ફાળવેલ છે. પ્રથમ દિવસે પોરબંદર તાલુકામાં 20 માંથી માત્ર 7 ખેડૂતો આવ્યા હતા જ્યારે રાણાવાવ તાલુકા માંથી 10 ખેડૂતો માંથી 4 અને કુતિયાણા ખાતે 20 માંથી 16 ખેડૂતો આવ્યા હતા.

પોરબંદરમાં પ્રથમ દિવસે ટેકાના ભાવે ચણાની ખરીદી માટે ખેડૂતોને બોલાવવામાં આવતા 26 ખેડૂતોનો ચણાનો પાક પાસ થતા કુતિયાણા માંથી 150 કવિન્ટલ, પોરબંદર માંથી 70 અને રાણાવાવ માંથી 20 કવિન્ટલ એમ કુલ 240 કવિન્ટલ ચણાની ખરીદી કરાઈ હતી. ત્યારે અમુક ખેડૂતોએ એવું પણ જણાવ્યું હતું કે વેપારીઓ ખેતરે સ્થળ પર જઈને ચણાનો પાક જોય ખરીદી કરે છે. જેથી ખેડૂતોને વાહન લઈને આવવા જવાનું ભાડું અને રિજેક્ટ થાય તો મુશ્કેલી સર્જાય છે. જેથી કેટલાક ખેડૂતો ટેકાના ભાવે ચણા વેચવાને બદલે ખેતર પરથી જ વેપારીને રોકડા રૂપિયે ચણાનો પાક વેચે છે.

મગફળીની જેમ ચણા પણ રિજેક્ટ થાય છે

પોરબંદર માંથી કુલ 50 ખેડૂતોને બોલાવવામાં આવતા 27 ખેડૂતો આવ્યા હતા જેમાંથી 26 ખેડૂતોના ચણા પાક પાસ થયા હતા જ્યારે પોરબંદર તાલુકા માંથી 1 ખેડૂતના ચણા રિજેક્ટ થયા હતા.

પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન છતાં ખૂબ ઓછી ખરીદી થતી હોવાથી મુશ્કેલી

સરકાર દ્વારા ખેડૂતના એક ખાતા દીઠ 50 મણ ચણાની ખરીદી કરવામાં આવે છે ત્યારે ગત વર્ષે 125 મણની ખરીદી ટેકાના ભાવે થતી હતી. જેથી ખેડૂતોએ માંગ કરી હતી કે સરકારે ગત વર્ષ ની જેમ 125 મણ ચણાની ખરીદી કરવી જોઈએ.

ક્યા કારણોસર ચણા રિજેક્ટ થાય છે

મગફળીની જેમ ચણામાં પણ ભેજનું પ્રમાણ 14 ટકાથી વધુ હોય તો ચણા રિજેક્ટ થાય છે. અને બાહ્ય અશુદ્ધિ વાળા, નુકશાન થયેલ, ચીમડાયેલ, કોટો ફુટેલ ચણા, અન્ય પાક મિક્સ હોઈ તેવા ચણા રિજેક્ટ થાય છે.

ખેડૂતો પોતાના ચણા વેચવા આવે છે ત્યારે દરરોજ 1 હજારથી 2 હજાર કિલો ચણાની આવક રોકડિયા હનુમાન પાસે આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે થાય છે. જાહેર હરરાજીમાં 800 થી 925 રૂપિયાના મણના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે.