ફોદાળા ડેમ 68 % અને ખંભાળા ડેમ 61 % પાણીથી ભરાયેલો છે
પોરબંદર જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ઉનાળા દરમ્યાન લોકોને પીવાના પાણી ની તંગી સર્જાશે નહિ કારણકે ફોદાળા ડેમ 68 ટકા અને ખાંભાળા ડેમ 61 ટકા પાણીથી ભરેલ છે. પોરબંદરમાં ઉનાળાની શરૂઆત થઈ છે. તાપમાનનો મહત્તમ પારો 34 ડિગ્રીથી વધી રહ્યો છે. ત્યારે ઉનાળા દરમ્યાન જિલ્લાના લોકોને પીવાના પાણીની ચિંતા સતાવતી હોય તે સ્વભાવીક છે પરંતુ પોરબંદર જિલ્લાનો પીવાનું પાણી પૂરું પાડતા ખંભાળા અને ફોદાળા ડેમ પૂરતા ભરેલા છે. જેમાં ફોદાળા ડેમ 68 ટકા અને ખંભાળા ડેમ 61 ટકા પાણીથી ભરેલ છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડયો હોવાના પગલે જળાશયો પાણીથી ભરાયા છે અને ડેમમાં પાણીનો જથ્થો હોવાથી ઉનાળે પીવાના પાણીની તંગી સર્જાશે નહિ. જ્યારે સિંચાઈ માટે કેટલાક ડેમોમાં પાણી ઓછા થયા છે, પરંતુ ગત ચોમાસુ સારું જતા કુવાઓમાં પાણી ખૂબ છે. જેથી ખેડૂતોને ઉનાળુ પાક વાવેતર માટે ચિંતા જનક સ્થિતિ રહેશે નહીં. ફોદાળા ડેમની કેપેસિટી 23.65 MCM પાણી ની છે. હાલ લાઈવ રિપોર્ટ મુજબ 14.88 MCM પાણી છે. 68 ટકા જેટલું પાણી છે. તેમજ ખંભાળા ડેમની પાણીની કેપેસિટી 15.37 MCM છે જ્યારે હાલ લાઈવ રિપોર્ટ મુજબ 9.43 MCM પાણી છે. આમ 61 ટકા પાણી છે.
સમારકામના અભાવે અમીપુર ડેમ ખાલી ખમ થયો
અમીપુર ડેમનું સમારકામ હજુ સુધી કરવામાં આવ્યું નથી આ ડેમનું સમારકામ કરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે અમીપુર ડેમનું કામ ચાલુ છે જેથી ડેમ ખાલી રાખવામાં આવ્યો છે. આ ડેમ માંથી 8 જેટલા ગામોને સિંચાઈનું પાણી મળતું હતું.
કાલીન્દી ડેમ : ગ્રોસ સ્ટોરેજ 2.724 MCUM છે.
અડવાણા WRS : લાઈવ સ્ટોરેજ 0.348 MCUM છે.
સોરઠી ડેમ : લાઈવ સ્ટોરેજ 2.09 MCUM છે.
સારણ ડેમ : ડેડ સ્ટોરેજ છે પાણી નથી.
બરડાસાગર ડેમ : 211.80 MCFT પાણી છે.
મેંઢાક્રિક ડેમ : 918.19 MCFT પાણી છે જે 55 ટકા ભરેલ છે.
સિંચાઈ માટે પણ ખેડૂતોને પાણીની ચિંતા નહીં રહે
સિંચાઈ વિભાગના કર્મચારીએ જણાવ્યું હતું કે ડેમો માંથી ખેડૂતોને શિયાળુ પાક માટે સિંચાઈનું પાણી વિતરણ કર્યું હતું. હાલ ઉનાળુ પાક વાવેતર માટે સિંચાઈનું પાણી આપવાનું ચાલુ છે. વરસાદ ન હોય તે સ્થિતિમાં શિયાળુ પાક માટે જ સિંચાઈના પાણી માટે ડેમોમાં લો લેવલ આવી જતું હતું. ગત ચોમાસે પુષ્કળ વરસાદ થતાં કુવાઓ પણ પાણીથી ભર્યા છે. અને ડેમ માંથી પણ સિંચાઈનું પાણી અપાઈ છે જેથી સ્થિતિ અગાવ કરતા સારી છે.
પોરબંદર રાણાવાવને 34 MLD પાણીનું વિતરણ
પોરબંદર છાયા પાલિકાને 32 MLD પાણી આપવામાં આવે છે જે જરૂરિયાત જેટલું પાણી આપવામાં આવે છે અને ધરમપુર, બોખીરા, સહિત તમામ વિસ્તારોમાં વિતરણ થાય છે. રાણાવાવને 2 MLD પાણી આપવામાં આવે છે. ત્યાં 6 MLD ની જરૂરિયાત છે. પરંતુ રાણાવાવમાં લોકલ સ્ત્રોત થી પાણી મળી રહે છે.
કુતિયાણામાં પીવાનું પાણી આપવામાં આવતું નથી
ફોદાળા, ખંભાળા અને નર્મદાનું પાણી જાવંત્રી ફિલ્ટર પ્લાન્ટમાં ફિલ્ટર થયા બાદ ત્યાંથી વિતરણ થાય છે. કુતિયાણામા પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી વિતરણ થતું નથી. કારણકે પીવાના પાણી માટે લોકલ સ્ત્રોત આવેલ છે. ઘટે અને કહે ત્યારે આપવામાં આવે છે તેવું પા. પૂ. બોર્ડના કર્મીએ જણાવ્યું હતું.