પોરબંદરની મચ્છી માર્કેટ ખાતે હાલાકી, તંત્ર દ્વારા યોગ્ય કરવા માંગ

પોરબંદર શહેરમાં આવેલ મચ્છી માર્કેટમાં સુવિધાઓનો અભાવ જોવા મળ્યો છે. મચ્છીનો વેપાર કરતી મહિલાઓમાં સુવિધાઓને લઈ ભારે રોષ જોવા મળ્યો હતો. મચ્છીનો વેપાર કરતી મહિલાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવા છતાં અહીં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવતી નથી. ઉનાળા અને ચોમાસાની ઋતુમાં મહિલાઓને અનેક પ્રકારની સમસ્યાઓના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વર્ષ જૂની સમસ્યા હોવા છતાં આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેના પગલે મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો. અને અહીં મચ્છી માર્કેટનું નવનિર્માણ કરવામાં આવતું નથી. જે મહિલાઓ વેપાર ધંધો કરે છે ત્યાં ઉપર છતનો અભાવ છે. જેના પગલે તડકા અને ચોમાસાના વરસાદમાં પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે. ઉપરાંત અહીં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા હોવાના પગલે ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં યોગ્ય રીતે સાફ સફાઇ પણ કરવામાં આવતી નથી. જેથી જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી હતી.