પોરબંદર જિલ્લામા શાંતિપુર્ણ માહોલમાં યોજાઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ફેસ માસ્ક અને સામાજિક અંતર સાથે મતદારોએ કર્યુ લોકશાહીના લલાટે તિલક

પોરબંદર તા.૨૮, પોરબંદર જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પોરબંદર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીનાં લલાટે તીલક કર્યુ હતુ. લોકશાહીનાં આ પવિત્રપર્વમા યુવા મતદારો, વૃધ્ધો, મહિલાઓ વહેલી સવારથી જ મતદાન મથકો પર સામાજિક અંતર અને ફેસ માસ્ક સાથે લાઇનમા ગોઠવાઇને શાંતિપુર્ણ રીતે મતદાન કરીને લોકશાહીના લલાટે તિલક કર્યુ હતુ.

પોરબંદર જિલ્લા પંચાયતના ૧૮ મતદાર મંડળ માટે, પોરબંદર તાલુકા પંચાયતના ૨૨ મતદાર મંડળ માટે, રાણાવાવ તાલુકા પંચાયતના ૧૬ મતદાર મંડળ માટે તથા કુતિયાણા તાલુકા પંચાયતના ૧૬ મતદાર મંડળ માટે ગ્રામીણ વિસ્તારોમાં વહેલી સવારથી જ કર્મયોગીઓની ઉપસ્થિતિમાં શાંતિપુર્ણ મતદાન યોજાયુ હતુ. મતદાન મથકો પર મતદારોએ ફેસ માસ્ક તથા સામાજિક અંતર રાખીને મતદાન કર્યુ હતુ. ઘણા મતદારો શારીરિક રીતે અગવડ (અશક્ત) હોવા છતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને પોતાની ફરજ બજાવી હતી. રાણાવાવ તાલુકાના દિગ્વીજયગઢમાં અંદાજે ૭૦ વર્ષનાં મતદાર લખમણભાઇ નારણભાઇએ શારીરિક અવગડતાને કારણે યુરોબેગ પહેરેલી હોવા છતા મતદાન મથક પર પહોંચીને મતદાન કરી પોતાની ફરજ બજાવી હતી. લખમણબાપાએ કહ્યુ કે, હું દરેક ચૂંટણીમાં મતદાન કરુ છુ, દરેક મતદારોએ પણ મતદાન કરીને પોતાની ફરજ બજાવી જોઇએ.