દેશના વડાપ્રધાન મોદીજીએ શરૂ કરેલ વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય, રૂપાણીએ ટ્વીટ કરી જણાવ્યું

રાજ્યની તમામ મહાનગર પાલિકાના પરિણામ સામે આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે ત્યારે સુરતમાં પણ કંઈક નવાજૂની સામે આવી છે. સુરતમાં આમ આદમી પાર્ટી પ્રથમ વખત વિપક્ષ પદે ઉભરી આવી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીએ ટ્વિટ કરી જીતનો શ્રેય વડાપ્રધાનને આપ્યો હોવાનું પણ સામે આવ્યું છે. રાજ્યની તમામ મહાનગરપાલિકામાં ભાજપ ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટ કરી ભાજપની જીત પર ખુશી વ્યક્ત કરી છે. મુખ્યમંત્રી રૂપાણીએ ટ્વીટ કરતા લખ્યું છે કે, સમગ્ર 6 મહાનગરોના મતદારોનો આભાર માનું છું.આ ચૂંટણીમાં સખત પરિશ્રમ કરનારા ભાજપાના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું.ગુજરાતની જનતાને ખાતરી આપું છું કે ભાજપામાં મૂકેલા વિશ્વાસને ભાજપા એળે જવા દેશે નહીં. આવનારા દિવસોમાં 6 મહાનગરપાલિકાઓના વિકાસ માટે સરકાર કોઇ કચાશ રાખશે નહીં. વર્ષોથી કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીને શહેરના વિકાસની જવાબદારી સોંપીને ગુજરાતની જનતાએ રાજકીય વિશ્લેષણ કરનારા લોકોને એન્ટી ઇન્કમ્બન્સી શબ્દ ગુજરાતને લાગુ જ ના પડતો હોય એવો અભ્યાસ કરવા માટેનો વિષય ગુજરાતની જનતાએ વિજય અપાવીને બનાવ્યો છે.