માધવપુર રેડક્રોસ બ્રાંચમાં શપથવિધિ અને સ્વાથ્ય કાર્યક્રમ યોજાયો

માધવપુર રેડક્રોસ તાલુકા બ્રાંચમાં શપથવિધિ અને માનસિક સ્વાથ્ય કાર્યક્રમ યોજાયો હતો. પોરબંદર જિલ્લામાં માધવપુર ખાતે રેડક્રોસ સોસાયટીની તાલુકા બ્રાંચ કાર્યરત છે. ચેરમેન હસમુખ પુરોહિત, સેક્રેટરી કિશોર મહેતા અને હર્ષદભાઈ પુરોહિતની પ્રેરણાથી તાજેતરમાં આ શાખામાં મછીયારા પરિવારોના ૫૦ સભ્યો રેડક્રોસ તાલુકા બ્રાંચ માધવપુરમાં સભ્યપદે જોડાયા હતા. માધવપુર હાઈસ્કુલમાં આ સભ્યોને આવકારવા માટે,

તેમજ પોરબંદર જીલ્લા શાખા દ્વારા ચલાવાતા ડીસ્ટ્રીક્ટ માનસિક સ્વાથ્ય કાર્યક્રમનો તેમને લાભ મળે તે હેતુથી, માનસિક સ્વાથ્ય અંગે સેમિનાર પણ યોજવામાં આવ્યો હતો. તાલુકા બ્રાન્ચના ચેરમેન હસમુખ પુરોહિતના સ્વાગત પ્રવચન બાદ, કોરોના પેન્ડેમિકને ધ્યાને લઇ દરેક સભ્યને માસ્ક અને સેનેટાઈઝર બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ જીલ્લાશાખાના ચેરમેન ડૉ. સી. જી. જોષીએ સભ્યોને , રેડક્રોસ સિદ્ધાંતોને સમર્પિત રહી માનવતાનાં કાર્યો કરવાના , શપથ લેવડાવ્યા હતા. માનસિક સ્વાથ્ય કાર્યક્રમમાં ડૉ. સી. જી. જોષી, ત્રિલોક ઠાકર તથા જીલ્લા શાખાના સેક્રેટરી અકબર સોરઠીયાના પ્રવચનો યોજાયા હતા.

માનસિક સ્વાથ્ય અંગેના ખ્યાતનામ લેખકોના પુસ્તકો , સભ્યોને વાચવા માટે ઉપલબ્ધ થઈ શકે તે માટે તાલુકા બ્રાન્ચના હોદ્દેદારોને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પુસ્તકોમાં ડેલ કાર્નેગીના ચિંતા છોડો સુખથી જીવો , જીંદગી જીવો અને કામને માણો; મૌલિક ત્રિવેદી સંપાદિત લેખોનો સંગ્રહ – આપઘાતની ઘાતને ટાળીએ, ડૉ . શૈલેષ જાનીના મનોચિકિત્સા અને કાંતિલાલ કાલાણીના જીવનની માવજત વગેરેનો સમાવેશ થાય છે. નિષ્ઠાવાન સભ્યો રામભાઈ ઓડેદરા તથા જય પુરોહિતના છેલ્લા એક અઠવાડિયાના પ્રયત્નો નોંધપાત્ર રહ્યા. ઉપપ્રમુખ ડૉ. જનકભાઈ પંડિતે કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.