ગુરુકૃપાથી જીવન ધન્ય બને, કુદરતી સાંનિધ્યથી શરીર સ્વસ્થ રહે : પૂજ્ય ભાઈશ્રી

ગુરુકૃપાથી જીવન ધન્ય બને છે અને કુદરતી સાંનિધ્યથી શરીર સ્વસ્થ રહે છે : રાષ્ટ્રીય સંત પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝા

પોરબંદર, શુક્રવાર : ભગવાન રામે ગુરુકૃપા પ્રાપ્ત કરી હતી અને વનવાસ થકી કુદરતનાં સાંનિધ્યમાં પણ રહ્યાં. વર્તમાન સમયમાં માનવે બે બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે. માનવને ગુરુકૃપા મળવી જોઈએ અને કુદરતી સાંનિધ્ય. ગુરુકૃપાથી જીવન ધન્ય બને છે અને કુદરતી સાંનિધ્યથી શરીર સ્વસ્થ રહે છે, એમ રાષ્ટ્રીય સંત પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ રામકથાનાં સાતમા દિવસે, શુક્રવારે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ૧૫મા પાટોત્સવ નિમિત્તે શ્રીહરિમંદિર ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક થયો હતો.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૧, તા. ૧૩/૦૨/૨૦૨૧ થી ૨૧/૦૨/૨૦૨૧ દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાશે. આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાઈ રહ્યો છે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાટોત્સવ-દર્શનમાં જોડાયા છે. કથાના મુખ્ય મનોરથી શ્રીમતી જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુ.કે. છે.

આજના દૈનિક યજમાન જયશ્રીબેન અને ભૂપેન્દ્રભાઇ કણસાગરા પરિવાર (લંડન), શ્રી ઉર્મિલાબેન ભગવાનજીભાઇ મિસ્ત્રી પરીવાર (લંડન) અને શ્રી હરિ ભક્ત (લંડન) રહ્યા હતા. શ્રીહરિ મંદિર ધ્વજા અને ઝાંખીના યજમાન શ્રી હરિ ભક્ત (લંડન) રહયા હતા. શ્રીહરિ મંદિરની ઝાંખીના મનોરથી અંશુબેન તિવારી પરીવાર (દિલ્હી), શ્રી વિનાબેન પટેલ પરીવાર (સરી,યુકે) રહયા હતા. આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલિકાસ્ટ sandpani.tv, સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી 3:30 થી થશે.

પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે સદ્ગુરુ મળે ત્યારે તમામ સંશયો, આવરણો દૂર થઈ જાય છે. ઉપનિષદ્ તેનું પ્રમાણ છે. અર્જુન તેનું ઉદાહરણ છે અને રામાયણમાં ભગવાન રામચંદ્રજીએ પણ નિરંતર ગુરુકૃપા મેળવી છે. આપણું શરીર ભગવાનનો રથ છે અને અંદર રહેલો આત્મા વિશ્વનું દર્શન કરે છે. જેમ ઉપનિષદ્ કહે છે કે સત્ય એ સુવર્ણમય પાત્રમાં ઢંકાયેલું છે. સદ્ ગુરુની કૃપા દ્વારા જ તેનાં દર્શન થઈ શકે છે. જો દરેક વ્યક્તિ આ સત્યનું આવરણ દૂર કરી શકે તો તેને ભગવાનની અલૌકિક સૃષ્ટિના દિવ્યતત્ત્વનાં દર્શન થઈ શકે છે. વર્તમાન સમયમાં જ્યારે આધુનિકતાને પગલે માનવ કુદરતથી દૂર જઈ રહ્યો છે ત્યારે વ્યક્તિએ કુદરતનાં સાંનિધ્યમાં પણ રહેવું જોઈએ. જેનાથી શરીર પણ સ્વસ્થ રહે છે. આપણે ત્યાં પીપળામાં ભગવાનનો વાસ કહેવાયો છે, જ્યારે પવનની લહેરખી આવે છે ત્યારે એક વિશિષ્ટ નાદ ઉત્પન્ન થાય છે. એ નાદ સાંભળવો એ પણ એક લહાવો છે.

શ્રીહરિ મંદિરમાં – પાટોત્સવ દિવસ : સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આજથી ૧૫વર્ષ પહેલા વર્ષ-૨૦૦૬ માં પૂજ્ય ભાઇશ્રી અને અનેક સંતો, મહાપુરુષોની ઉપસ્થિતિમાં રથસપ્તમીના પાવન પવિત્ર દિવસે શ્રીલક્ષ્મીનારાયણ સહિત શ્રી ગણેશજી મહારાજ, કરુણામયી મા, શ્રી જાનકીવલ્લ્ભ ભગવાન, શ્રી રાધાકૃષ્ણ ભગવાન, શ્રી ચંદ્રમૌલિશ્વર મહાદેવ, શ્રી હનુમાનજી મહારાજની વેદોક્ત શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી.  ભગવાન પાટ બિરાજ્યા હતા. ત્યારથી પ્રતિવર્ષે શ્રી હરિમંદિરમાં રથ સપ્તમીનો દિવસ પાટોત્સવ દિવસ તરીકે ઉજવાય છે. જેમાં પ્રતિવર્ષ પૂજ્ય ભાઇશ્રી અને સંતો દ્વારા શ્રીહરિ મંદિરમાં બિરાજમાન સર્વે દેવતાઓના દિવ્ય વિગ્રહોનો મહાભિષેક કરવામાં આવે છે. આ દિવસે દરેક ભાવિકજનોને મહાભિષેકના દર્શનનો લ્હાવો પ્રાપ્ત થાય છે.

આ વર્ષે શ્રીહરિ મંદિરના ૧૫મા પાટોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે રથસપ્તમીના પાવન દિવસે પ્રાતઃ કાળમાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા શ્રીહરિ મંદિરના બિરાજમાન સર્વે વિગ્રહોનો મહાભિષેક કરવામાં આવ્યો હતો. દિવ્ય- મહાભિષેકની સાથે-સાથે શ્રીહરિ મંદિરના તમામ દેવતાઓના ઉત્સવ સ્વરૂપની વિધિ-વિધાન પૂર્વક પુજા કરવામાં આવી હતી. મધ્યાહન સમયે પૂજ્ય ભાઇશ્રી દ્વારા શ્રીલક્ષ્મી નારાયણ ભગવાન અને સર્વે દેવતાઓની તિલક વિધિ સંપન્ન કરવામાં આવી હતી તેમજ   પાટોત્સવના દિવસની દિવ્ય આરતી પણ પૂજ્ય ભાઇશ્રી દ્વારા સંપન્ન કરવામાં આવી હતી

સાંદીપનિ Zoom રૂમમાં ઉપસ્થિતિ : શ્રીહરિ મંદિરના ૧૫મા પાટોત્સવના અવસરે પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે ચાલી રહેલી શ્રીરામ કથામાં સાંદીપનિ Zoom રૂમમાં આજે યુ.કે.થી શ્રી પોપટભાઈ સામાણી અને અન્ય ભાવિકજનો ઉપસ્થિત રહ્યા હતા દિવ્ય ઝાંખીની પ્રસ્તુતિ શ્રીરામ કથામાં આજે કથાના પ્રસંગ અનુસાર રામ-હનુમાન મિલન પ્રસંગની સાંદીપનિ ઋષિકુમારો દ્વારા મનોરમ્ય ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. તો શ્રીહરિ મંદિરમાં ખુબજ સુંદર રીતે રામ-હનુમાન મિલન પ્રસંગની ઝાંખી સજાવવામાં આવી હતી.

શ્રીહરિ ભગવાનની પાલખીયાત્રા : આજે શ્રીહરિ મંદિરના પાટોત્સવના પવિત્ર દિવસે રાત્રિના ૮વાગ્યેથી સમગ્ર સૃષ્ટિના નિયંતા, જડ-ચેતન સ્વરૂપ પરમેશ્વર ભગવાન શ્રીહરિ ભગવાનની સાંદીપનિની નગરચર્યાના ભાવસ્વરૂપે વેદમંત્રોના ગાન અને સંકીર્તન સાથે શ્રીહરિ ભગવાનની દિવ્ય પાલખીયાત્રા યોજાશે. જેમાં ઠાકોરજી પાલખીમાં બિરાજમાન થઈને સાંદીપનિ નગરચર્યા કરશે.

શ્રીલક્ષ્મીનારાયણ
શ્રી ગણેશજી મહારાજ
કરુણામયી મા
શ્રી રાધાકૃષ્ણ ભગવાન
શ્રી જાનકીવલ્લ્ભ ભગવાન
શ્રી ચંદ્રમૌલિશ્વર મહાદેવ
શ્રી હનુમાનજી મહારાજ
શ્રીહરિ ભગવાનની દિવ્ય પાલખીયાત્રા
ઋષિકુમારો