આસુરી વિચારધારાને પરિવર્તિત કરવાનું કાર્ય ભગવાન રામ-કૃષ્ણ દ્વારા થયું છે : પૂજ્ય ભાઈશ્રી

પોરબંદર, ગુરુવાર

આસુરી વિચારધારા જેણે જનમાનસને દુષ્કાર્યોમાં જકડી રાખ્યા હતા, તેને પરિવર્તિત કરવાનું કાર્ય ભગવાન શ્રીરામે, ભગવાન શ્રીકૃષ્ણે કર્યું છે. ભગવાન રામનાં સમયમાં દશાનની વિચારધારા હતી અને ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં કંસની વિચારધારા હતી. આ આસુરી વિચારધારાને દૈવી વિચારધારામાં પરિવર્તિત કરવાનું કાર્ય અવતારોએ કર્યું છે. જનસમાજ અસત્ય-અધર્મનું આચરણ છોડીને  સત્ય, ધર્મના માર્ગે ચાલે તે ભગવાનને અવતાર ધારણ કર્યો, એમ રાષ્ટ્રીય સંત પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ રામકથાનાં છઠ્ઠા દિવસે, ગુરુવારે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે.

ભાઈશ્રીએ જણાવ્યું કે, સાપુતારામાં ચાલી રહેલા ‘ સાંન્દીપનિ વિદ્યા સંકુલ ‘ ના બાળકો દ્વારા જ્યારે પોતાના ભાવોને પ્રગટ કરવામાં આવ્યો તો મને આનંદ થયો. હાલ લોકલાડીલા એવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ જ્યારે આ સાપુતારા સંકુલની વાત અમને કરી અને એ વિદ્યા સંકુલને સુ-વ્યવસ્થિત કરો તો એ સેવા કરવામાં ખુબ આનંદ પ્રાપ્ત થાય છે. પૂજ્ય ભાઇશ્રી કહે છે, કે જે – જે સાધુ સંતો મહાપુરુષો  ઉંચા સ્થાન પર બેઠા છે. એમને મારી વિનંતી માટે પ્રાર્થના છે કે બધાયે આવી રીતે છેક ગામડે – ગામડા સુધી જવું પડશે, કારણ કે ભગવાનશ્રી રામે પણ રાજ્ય સત્તાનો ત્યાગ કરીને વન-વાસ સ્વીકાર્યો અને વનવાસી (આદિવાસી) જાતિઓને ઘરે – ઘરે જઈ પ્રત્યક્ષ મળ્યા અને એમની સમસ્યાઓનું સમાધાન કર્યું. એવી જ રીતે આપણે પણ સમાજના એવા પીછળા વર્ગમાં ઘર – ઘર સુધી જવું પડશે અને ત્યાં શિક્ષા – સંસ્કારોનું સિંચન કરવું પડશે. એવા આદિવાસી વિસ્તારોમાં પણ પ્રતિભાઓ હોય જ છે, બસ એ પ્રતિભાઓ સમાજ સામે આવે અને સમાજ એનો લાભ લે એ આપણે જોવું પડશે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૧, તા. ૧૩/૦૨/૨૦૨૧ થી ૨૧/૦૨/૨૦૨૧ દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાશે. આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાઈ રહ્યો છે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાટોત્સવ-દર્શનમાં જોડાયા છે. કથાના મુખ્ય મનોરથી શ્રીમતી જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુ.કે. છે. આજના દૈનિક યજમાન માલાબેન ખિરોયા અને કુટુંબ (લેસ્ટર), જીતેશભાઈ ગઢીયા(લંડન), દક્ષાબેન અને રશ્મિભાઇ ચાટવાણી પરિવાર (લંડન),અમિતાબેન,અજિતભાઇ અને શનીલભાઇ હિરાણી પરીવાર (લંડન) રહ્યા હતા. ધ્વજા અને ઝાંખી યજમાન નરબદાબેન અને રમણીકલાલ વાઢેર પરીવાર (લેસ્ટર) અને શ્રીહરિ મંદિરની ઝાંખી દર્શનના મનોરથી શ્રી રિચાબેન શર્મા રહ્યા હતા. આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલિકાસ્ટ sandpani.tv, સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી 3:30 થી થશે.

પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે મન, વચન અને કર્મની એકરૂપતા સર્જાય છે ત્યારે મહાન કાર્યો થાય છે. ચક્રવર્તી સમ્રાટ દશરથના સામ્રાજ્ય સામે દશાનની વિચારધારા પડકારરૂપ બની ગઈ હતી અને ભોગવાદમાં પ્રજાએ પકડ જમાવી હતી. જેને પગલે સમાજ સત્ય, ધર્મને માર્ગે ચાલે તે માટે ભગવાન રામે ચૌદ વર્ષ સુધી વનવાસમાં રહીને લોકમંતવ્ય નિર્માણ તથા પ્રજાને પોતાના આચરણ દ્વારા અ દશાનની વિચારધારાને દૂર કરી ધર્મનો માર્ગ દર્શાવ્યો. જ્યારે શ્રીકૃષ્ણે ગોકુળમાં રહીને પણ કંસની વિચારધારામાં માનનારા આસુરી તત્ત્વોને દૂર કરીને આધ્યાત્મિક વિચારધારા પ્રસરે તે માટેનો પ્રયાસ કર્યો હતો.

સાંદીપનિ Zoom રૂમ માં ઉપસ્થિતિ : શ્રીહરિ મંદિરના ૧૫મા પાટોત્સવના અવસરે પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે ચાલી રહેલી શ્રીરામ કથામાં સાંદીપનિ Zoom રૂમમાં આજે વિશેષ રૂપે આજે મુંબઈથી ભગવદીયા કોકિલાબેન ધીરુભાઈ અંબાણી ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું શ્રવણ કર્યું હતું.  એ સાથે અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચા (એઆઈએટીએફ) ના અધ્યક્ષ શ્રી મનિન્દરસિંહ બિટ્ટાજી અને પી.બી. રોઝ ના ટ્રસ્ટી શ્રી વિનોદભાઇ સાધુ પણ સાંદીપનિ Zoom રૂમમાં ઉપસ્થિત રહ્યા હતા.દિવ્ય ઝાંખીની પ્રસ્તુતિ

શ્રીરામ કથામાં આજે કથાના પ્રસંગ અનુસાર કેવટ પ્રસંગની વિશિષ્ટ રૂપે પૂર્વકૃત વિડીયો દ્વારા ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.