વેરાવલ-બાન્દ્રા દૈનિક સ્પેશિયલ ટ્રેન 23 ફેબ્રુઆરીથી દોડશે, ટિકિટ બુકિંગ 20 ફેબ્રુઆરીથી

vijay vadher
રીપોર્ટર : વિજયભાઈ વાઢેર +91 815 382 0649

કોરોનાવાયરસની મહામારીના કારણે લાંબા અંતરની મોટા ભાગની ટ્રેનો રદ કરવામાં આવી હતી. લાંબા અંતરની ટ્રેનો રદ કરાઈ હોવાથી યાત્રાળુઓ અને પર્યટકોને પણ પારાવાર હાલાકી વેઠવી પડી રહી હતી. અરબી સમુદ્રના કિનારે આવેલ વિશ્વવિખ્યાત સોમનાથ મહાદેવના મંદિર ખાતે દરરોજ અન્ય રાજ્યમાંથી પણ અનેક પર્યટકો હરવા ફરવા માટે આવી પહોંચ્યા હતા.

ઉપરાંત સોરઠ પંથકના અને ગીર- સૌરાષ્ટ્ર પંથકના પ્રવાસીઓ હરિદ્વાર સહિતના અન્ય રાજ્યમાં યાત્રા માટે જતા હતા. પરંતુ કોરોનાવાયરસની મહામારીના પગલે લાંબા રૂટની ટ્રેનો રદ કરાઈ હતી.  જેના પગલે પ્રવાસીઓને પણ ભારે હાડમારી વેઠવી પડતી હતી. પરંતુ હાલ લાંબા રૂટની ટ્રેનો શરૂ કરવામાં આવી હોવાના પગલે પ્રવાસીઓ અને લાંબા અંતરની મુસાફરી કરનાર લોકોને પણ સમસ્યાનું નિરાકરણ થશે. પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિયોની સુવિધાને ધ્યાનમાં રાખીને વેરાવલ-બાન્દ્રા-વેરાવલ દૈનિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન નંબર 09218-09217 વેરાવલ-બાનદ્રા-વેરાવલ દૈનિક વિશેષ ટ્રેન નંબર 09218 વેરાવલ-બાન્દ્રા દૈનિક સ્પેશિયલ વેરાવલથી 23 ફેબ્રુઆરીથી આગળની સૂચના સુધી દરરોજ 11:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 05.45 વાગ્યે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે. વાપસીમાં, ટ્રેન નંબર 09217 બાન્દ્રા-વેરાવલ દૈનિક સ્પેશિયલ તા 24 ફેબ્રુઆરીથી દરરોજ બાન્દ્રાથી 13:40 વાગ્યે ઉપડશે. અને બીજા દિવસે 07.20 વાગ્યે વેરાવલ પહોંચશે.

આ ટ્રેન રૂટમાં બન્ને દિશામાં જુનાગઢ, જેતલસર, ગોંડલ, રાજકોટ, વાંકાનેર, થાન, મુલી રોડ, સુરેન્દ્રનગર, લખતર, વિરમગામ, અમદાવાદ, મણિનગર, મહેમદાવાદ ખેડા રોડ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, કોસંબા જં., સુરત, નવસારી, બિલીમોરા જં., વલસાડ, વાપી, દહાનૂ રોડ, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે.

ટ્રેન નંબર 09218 વેરાવલ-બાન્દ્રાનું બુકિંગ 20 ફેબ્રુઆરીથી અને ટ્રેન નંબર 09217 બાન્દ્રા-વેરાવલનું બુકિંગ 21 ફેબ્રુઆરીથી નિયુક્ત પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.  યાત્રી ઉપરોક્ત વિશેષ ટ્રેનની વિસ્તૃત માહિતી માટે enquiry indianrail ની મુલાકાત લઈ શકશે તેવું જણાવ્યું હતું.