સોમવાર : જેમ ભાગવત એ ભગવાન શ્રીકૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે તેમ રામાયણ એ ભગવાન શ્રીરામનું વાંગ્મય સ્વરૂપ છે. આપણે તો અન્નને પણ બ્રહ્મની ઉપમા અપાઈ છે. માટે જ આપણે ત્યાં રામરોટી શબ્દ છે. અહીં તો રામકથારૂપી રોટી છે, તેમાં ભરતના રામપ્રેમરૂપી પીયૂષ-અમૃત વગર આવી રોટી શક્ય ન બને અર્થાત્ તૃપ્તિ ન આવે. એ જ રીતે રામકથારૂપી રોટી દ્વારા આધ્યાત્મિક ક્ષુધાને તૃપ્ત કરે છે, એમ રાષ્ટ્રીય સંત પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ રામકથાનાં ત્રીજા દિવસે, સોમવારે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૧, તા. ૧૩/૦૨/૨૦૨૧ થી ૨૧/૦૨/ ૨૦૨૧ દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાશે. આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાઈ રહ્યો છે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાટોત્સવ-દર્શનમાં જોડાયા છે. કથાના મુખ્ય મનોરથી શ્રીમતી જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુ.કે. છે. આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલિકાસ્ટ sandpani.tv, સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી 3:30 થી થશે.
પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે ભરતનું જીવન પણ સમુદ્ર જેવું ગંભીર છે. ભીતરથી ગંભીર છે. લક્ષ્મણજીનો રામપ્રેમ સૌને દેખાતો હતો, પરંતુ ભરતજીનો રામપ્રેમ સૌને દેખાતો નહોતો. ભરતજીના ગુપ્તપ્રેમને પ્રગટ કરવા માટે મંથન જરૂર છે, કેમ કે સમુદ્ર અગાધ છે. લક્ષ્મણજીનું વ્યક્તિત્વ આકાશરૂપ છે. જ્યાં ત્યાગ-સમર્પણની ઊંચાઈ છે તો ભરતજીનું વ્યક્તિત્વ ઉદધિ જેવું, ઊંડાણ છે. પ્રેમમાં ઊંડાણ છે. ધીર-ગંભીર છે. ભરતજી સમાજથી જરા અલગ ચાલે છે.
તુલસીદાસજી કહે છે જો ત્રણ વસ્તુ નહી હોય તો કથા ભલે સાંભળી લીધી, પરંતુ સમજાશે નહી.
जे श्रद्धा संबल रहित, नहिं संतन्ह कर साथा ।
तिन्ह कहु मानस अति जिन्ह हिं न प्रिय रघुनाथ ।।
એક શ્રદ્ધાનું સંબલ, બીજી સંતોનો સાથ અને ત્રીજી શ્રી રામ ચરણોમાં પ્રેમ.
સાંદીપનિ Zoom રૂમ માં ઉપસ્થિતિ :
સાંદીપનિ Zoom રૂમમાં આજે વિશેષ રૂપે સંસ્કૃતિ ફાઉન્ડેશનના સૌ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું શ્રવણ કર્યું હતું. આજે કથામાં પૂજ્ય ભાઇશ્રી દ્વારા રામ જન્મોત્સવ ખુબજ હર્ષોલ્લાસ તેમજ ઉમંગ સાથે ઉજવાયો હતો અને એ સાથે જ શ્રીરામ જન્મોત્સવ પ્રસંગે દેશ-વિદેશના ભક્તોએ Zoom માં ઉપસ્થિત રહીને પોતાના ઘરે-ઘરે ઠાકોરજીને શણગાર કર્યા હતા અને રામ જન્મોત્સવની ઉજવણી કરી હતી. શ્રીરામ જન્મોત્સવ પ્રસંગે કથાના અંતે શ્રીરામજન્મની દિવ્ય ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવી હતી.