જે ભગવાન રામનું કાર્ય કરશે, તેને ભગવાન રામની પ્રાપ્તિ જરૂર થશે. વર્તમાન સમયમાં જ્યારે સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામમંદિરના નિર્માણની પરવાનગી આપી દીધી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભગવાન રામલલાનાં ભવ્ય મંદિરનિર્માણનું ભૂમિપૂજન થઈ ગયું છે, એમ રાષ્ટ્રીય સંત પૂજ્યભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ રામકથાનાં પ્રથમ દિવસે પોરબંદર સ્થિત સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતેથી જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૧, તા. ૧૩/૦૨/૨૦૨૧ થી ૨૧/૦૨/૨૦૨૧ દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાઇ રહ્યો છે તે અંતર્ગત આજથી સાંદીપનિમાં પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી સૌ પ્રથમ વાર શ્રીરામ કથાનો પ્રારંભ મંગલ શોભાયાત્રા સાથે થયો. પોથીજીના પૂજન બાદ કથાના પ્રારંભે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને ઋષિકુમારો દ્વારા મંગલ સસ્વર શ્રુતિગાન થયું.

કથાના પ્રારંભ પહેલા સંસ્કૃતિ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ભુપેન્દ્રભાઈ કણસાગરાએ પોતાનો સ્વાગત સંદેશ પાઠવ્યો હતો અને આ શ્રીરામ કથાના મનોરથી તરીકે સેવા મળી  એ માટે થઈને સંપૂર્ણ સંસ્કૃતિ ફાઉન્ડેશનના વતી ધન્યતા અનુભવી હતી.

ટ્રસ્ટી શ્રી તુષારભાઈ જાની દ્વારા કથાની ભૂમિકા

એ પછી સાંદીપનિ સંસ્થાના ટ્રસ્ટી અને સંનિષ્ઠ સેવક શ્રી તુષારભાઈ જાની એ શ્રીરામ કથાની ભૂમિકા રજૂ કરી હતી. તેઓએ વિશેષ રૂપે સાંદીપનિ સાંદીપનિ વિદ્યા સંકુલ સાપુતારાનો પરિચય આપતા જણાવ્યુ હતું કે પહેલા ૫૯ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી માધ્યમિક શાળામાં આજે ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આ બધા આદિવાસી વનવાસી વિદ્યાર્થીઓને આવાસ, આધુનિક  શિક્ષણ અને જમવાની વ્યવસ્થા નિ:શુલ્ક પૂરી પાડવામાં આવે છે એમ કહીને આ શિક્ષણ અને સેવાયજ્ઞમાં જોડાવા માટે તેઓએ સૌને પ્રેરિત કર્યા હતા. અને એટલા માટે જ આ શ્રીરામ કથાને સાપુતારા વિદ્યા સંકુલના શિક્ષણ યજ્ઞ સાથે જોડવામાં આવી છે

આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાઈ રહ્યો છે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાટોત્સવ-દર્શનમાં જોડાયા છે. કથાના મુખ્ય મનોરથી શ્રીમતી જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુ.કે. છે. આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલિકાસ્ટ sandpani.tv, સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી પ્રતિદિન બપોર પછી 3:30 થી થશે.

પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું કે હનુમાનજી જ્યારે લંકા પહોંચ્યા ત્યારે સીતાજીની શોધમાં તેઓ હતા ત્યારે તેમને વિભીષણનું ભવન મળ્યું. હનુમાનજીએ ત્યારે વિચાર કર્યો કે રામદૂત મળી ગયા છે તો સીતાજીના દર્શન થશે જ. વિભીષણે હનુમાનજીને પૂછ્યું કે મને ભગવાન શ્રીરામનાં દર્શન ક્યારે થશે? એ પ્રશ્નનો ઉત્તર આપતાં હનુમાનજીએ કહ્યું કે જેઓ ભગવાન રામનું કાર્ય કરે છે, તેમને તેઓને ચોક્કસ ભગવાન રામનાં દર્શન થશે. જેઓ ભગવાનનું કાર્ય કરે છે, તેમના ઉપર ભગવાન પ્રીતિ કરે છે અને સેવકો ઉપર ભગવાનની પ્રસન્નતા અહેતુકી હોય છે.