પોરબંદર : શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-૨૦૨૧

 

રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇ  શ્રી રમેશભાઈ ઓઝા

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સંસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક તથા સંવાહક, દેશ-વિદેશમાં શ્રીમદ ભાગવત કથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૫મો પાટોત્સવ-વર્ષ ૨૦૨૧, તા. ૧૩/૦૨/૨૦૨૧ થી ૨૧/૦૨/૨૦૨૧ દરમ્યાન ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાશે. આ વર્ષે કોવિડ-૧૯ની મર્યાદા અને સરકારની માર્ગદર્શિકાને ધ્યાને લઈને મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાશે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી પાટોત્સવ-દર્શનમાં જોડાશે.

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીરામ કથા

રઘુનાથગાથા શ્રીરામ કથાનું આયોજન, કથાના મુખ્ય મનોરથી શ્રીમતી જ્યોત્સ્ના બેન તથા વજુભાઈ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુ ભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુ.કે. છે

શ્રી હરિ મંદિરના ૧૫મા પાટોત્સવમાં વિશેષતઃ સાંદીપનિમાં સૌ પ્રથમ વાર પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી દિવ્ય રઘુનાથગાથા શ્રીરામ કથાનું આયોજન થયેલું છે. આ અગાઉ વર્ષ ૨૦૦૬માં શ્રીહરિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય ભાઇશ્રીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયું હતું અને ગત અધિકમાસમાં સંપૂર્ણ પુરુષોત્તમ માસ શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન થયેલું હતું. પરંતુ પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી શ્રીરામ કથાનું આયોજન આયોજન સૌ પ્રથમ વાર તા.૧૩/૦૨/૨૦૨૧ થી ૨૧/૦૨/૨૦૨૧ દરમ્યાન થઈ રહ્યું છે. વિશેષતઃ આ કથાનું આયોજન પૂજ્ય ભાઇશ્રી દ્વારા પ્રેરિત અને સંચાલિત શ્રી સાંદીપનિ વિદ્યા સંકુલ સાપુતારામાં અભ્યાસ કરતાં વનવાસી આદિવાસી વિદ્યાર્થીઓને આધુનિક શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુ માટે કરવામાં આવેલ છે. કથાના મુખ્ય મનોરથી શ્રીમતી જ્યોત્સ્નાબેન તથા વજુભાઈ પાણખાણીયા, શ્રીમતી ઉષાબેન તથા ધીરુભાઈ સાંગાણી યુ.કે. અને સમગ્ર સંસ્કૃતિ ફાઉન્ડેશન-યુ.કે. છે. શ્રીરામ કથા દરમ્યાન આવતા વિવિધ પ્રસંગો અનુસાર વિવિધ ઝાંખીઓ પણ પ્રસ્તુત થશે તથા શ્રીરામ જન્મ, શ્રીરામ વિવાહ, રામેશ્વર સ્થાપના અને રામ રાજ્યાભિષેક જેવા ઉત્સવોનું પણ દર્શન થશે. આ સંપૂર્ણ કથાનું લાઈવ ટેલિકાસ્ટ sandpani.tv, સંસ્કાર ટીવી ચેનલ અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મ તથા Ab2news (http://ab2news.com) ના માધ્યમથી પ્રતિદિન બપોર પછી 3:30 થી થશે.

ધાર્મિક કાર્યક્રમો :
શ્રીહરિ મંદિરના દિવ્ય પાટોત્સવમાં પૂજ્ય ભાઇશ્રીના વ્યાસસને શ્રીરામ કથાની સાથે-સાથે અન્ય બીજા ધાર્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય કાર્યક્રમો આયોજિત છે. જેમાં તા. ૧૬/૦૨/૨૦૨૧, મંગળવાર, વસંતપંચમી પાવન દિવસે શ્રીહરિ મંદિરની બગીચીમાં સ્થિત ગોવર્ધનનાથની પૂજાવિધિ થશે. આ સાથે શ્રી હરિ મંદિરમાં શ્રીહરિ ભગવાનને અન્નકૂટનો ભોગ અર્પણ થશે અને મધ્યાહનમાં અન્નકૂટ આરતી પણ થશે. સૌ ભાવિકજન સવારે ૮:૦૦ થી સાંજે ૮:૦૦ સુધી અન્નકૂટના દર્શનનો લાભ લઈ શકશે.

તા. ૧૯/૦૨/૨૦૨૧, શુક્રવાર, રથ સપ્તમીના દિવસે શ્રીહરિ મંદિરના તમામ શ્રીવિગ્રોહોનો પૂજ્ય ભાઇશ્રી દ્વારા દિવ્ય અભિષેક અને પૂજા વિધિ સંપન્ન થશે. આજ દિવસે શ્રીહરિ મંદિરની સાયં આરતી બાદ રાત્રે ૮:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન ઠાકોરજીના સાંદીપનિ-દર્શનની ભાવના સાથે પૂજ્ય ભાઇશ્રીના સાન્નિધ્યમાં ભવ્ય પાલખીયાત્રા યોજાશે.

શ્રીહરિ મંદિર ૧૫મા પાટોત્સવના અંતિમ દિવસ તા. ૨૧/૦૨/૨૦૨૧, રવિવારના રોજ સાંદીપનિની યજ્ઞશાળામાં સુંદર અને દિવ્ય શ્રીરામ યાગનું આયોજન થયેલું છે. શ્રીરામ યાગની પૂર્ણાહુતિમાં પૂજ્ય ભાઇશ્રી ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે.

સાંસ્કૃતિક કાર્યક્રમ :
શ્રીહરિ મંદિર ૧૫મા પાટોત્સવમાં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા તા.૧૫/૦૨/૨૦૨૧, સોમવારે, રાત્રે ૯:૦૦ વાગ્યે પૂજ્ય ભાઈશ્રીના સાન્નિધ્યમાં દેવરાજભાઈ ગઢવી અને અન્ય કલાકારો દ્વારા ”કાગ કથા” કાર્યક્રમ રજૂ થશે. જેમાં પદ્મશ્રી કવિ કાગ બાપુ દ્વારા લખાયેલી કવિતાઓ કલાકારો દ્વારા રજૂ થશે.

શ્રીહરિ મંદિર ૧૫મા પાટોત્સવમાં પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખેથી ત્રિવિધ તાપનું શમન કરનારી અને શ્રીરામ ભગવનમાં પ્રીતિ કરનારી રામકથાનું શ્રવણ કરવું એ જીવનનો અમુલ્ય લ્હાવો છે. આપ સૌ ભાવિકોને સોશ્યલ મીડિયાના માધ્યમથી જોડાઈને કથા અને અન્ય કાર્યક્રમોનો લાભ માટે સાંદીપનિ પરિવાર નિમંત્રણ પાઠવે છે.