જળાશયોમાં રહેલ પાણી સિંચાઇ માટે ખેડૂતોને ઉપયોગી નિવડી રહ્યું છે

પોરબંદર જિલ્લામાં શિયાળુ પાક વાવેતર ખેડૂતોએ કર્યુ છે. અને આખર સમયમાં ખેડૂતોને સિંચાઈના પાણીની જરૂરિયાત ઉદભવી છે. ત્યારે પોરબંદરના ઘેડ પંથકમાં નાના મોટા જળાશયો આવેલ છે અને આ નાની મોટી નદીઓમાં પણ હજી પાણીના ઝરણાઓ ભરેલ છે. ત્યારે નદીઓમાં અને નાના મોટા જળાશયોમાં પાણીના ઝરણાં ભરેલ હોય આ પાણી ખેડૂતો સિંચાઈ માટે ઉપયોગમાં લઇ રહ્યા છે. ખાસ કરીને ઘઉં, ચણા અને જુવારના પાકનું પુષ્કળ પ્રમાણમાં ખેડૂતોએ રાણાવાવ સહિત ઘેડ પંથકમાં વાવેતર કર્યું છે.

ત્યારે નાના મોટા જળાશયોમાં રહેલ પાણી સિંચાઇ માટે ખેડૂતોને ઉપયોગી નિવડી રહ્યું છે. અને નદીઓમાં પણ વિરડા બનાવી ચણા, જુવારના પાકમાં આખર પાણીની ખેસ ન સર્જાય તે માટે પાણીનો સદુપયોગ ખેડૂતો કરી રહ્યા છે. આમ નદી નાળાઓમાં ભરાયેલા પાણી ખેડૂતોના પાક માટે જીવાદોરી સમાન બન્યું છે. આમ નદીમાં ભરાયેલા પાણીના કારણે ખેડૂતોને સારા પ્રમાણમાં પાક ઉત્પાદન થશે તેવી પણ આશા સેવાય રહી છે.

ચોમાસાની ઋતુ દરમિયાન ભારે વરસાદ પડયો હતો અને પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડયો હોવાના કારણે ઉપરવાસના વિસ્તારો માંથી પણ ભારે પાણીની આવક ઘેડ પંથકમાં થઈ હતી. ત્યારે અગાઉના વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષ દરમિયાન ચોમાસું સારું પડ્યું હોવાથી ખાલીખમ પડેલ જળાશયો પાણીથી ભરાઈ ગયા હતા. અને હજુ પણ નદીઓમાં પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. ત્યારે આ પાણી ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી નિવડી રહ્યું છે. જો નદી નાળાઓમાં પાણી હજુ ન હોત તો ખેડૂતોને શિયાળુ પાક ઉત્પાદનમાં આખર સમયમાં પાણીની ખેંચ સર્જાત જેના કારણે ખેડૂતોના પાકને મોટાપાયે નુકસાન થાત પરંતુ હાલ નદી નાળાઓમાં ભરાયેલા પાણીનો સદુપયોગ કરી ખેડૂતો પાક ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં મેળવશે. જેથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી પ્રસરી હતી.