પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે બક્ષીપંચના જાતિના દાખલા કાઢવાની કામગીરી ઘણા સમયથી બંધ હોય જેથી અરજદારોએ ના છૂટકે 10 કિમીનું અંતર કાપીને સેવાસદન 2 ખાતે આવેલ સમાજ કલ્યાણ કચેરી સુધી ધક્કાઓ ખાવા પડતા હોવાથી જનસેવા કેન્દ્ર ખાતે આ દાખલાઓ કાઢવાની કામગીરી શરૂ કરવા માંગ કરી છે.
પોરબંદરમા એકજ સ્થળેથી અરજદારોને સુવિધા મળી રહે અને અન્ય સ્થળે ધક્કાઓ ખાવા ન પડે તે માટે જન સેવા કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જ્યાં રાશનકાર્ડની કામગીરીથી માંડીને અન્ય કામગીરીઓ થાય છે. પોરબંદરમાં બક્ષીપંચના જાતિના દાખલા કાઢવા માટે જનસેવા કેન્દ્ર ખાતે તેમજ સાંદિપની રોડ પર આવેલ સમાજ કલ્યાણ વિભાગની કચેરી ખાતે એમ 2 સ્થળે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.
પરંતુ જનસેવા કેન્દ્ર ખાતે બક્ષીપંચના દાખલા કાઢવાની કામગીરી બંધ થતાં અરજદારોને દાખલા કઢાવવા માટે પોરબંદરથી 10 કિમિ દૂર સેવાસદન 2 સુધી ધક્કા ખાવા પડે છે. અને આ સ્થળે ફોર્મમાં જો સોગંધનામું, એટેસ્ટડ સહિતની જો નાની ભૂલ હોઈ તો અરજદારને ફરી શહેરમાં આવી ધક્કા ખાવા પડી રહ્યા છે.
અરજદારે એવું જણાવ્યું હતું કે શહેર માંથી 10 કિમિ દૂર સમાજ કલ્યાણ કચેરીએ આવ્યા હતા અને ઓરીજનલ લિવિંગ સર્ટી ન હોવાના કારણે પરેશાન થયા હતા. તેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ઝેરોક્ષ ની દુકાન પણ નથી.
જેથી દાખલો કઢાવવામાં જ ફોર્મ સાથે સબમિટ કરાવવા માટે વાંધો હોઈ તો ફરજીયાત ના છૂટકે ગામમાં જવું પડે અને ફરીથી 10 કિમિ દૂર આવવું પડે જેથી સમયનો બગાડ થાય છે. આથી શહેરમાં આવેલ જનસેવા કેન્દ્ર ખાતે ફરીથી બક્ષીપંચના દાખલા કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.