પાલતુ કુતરાઓને સપ્તાહમાં એકવાર બગીચામાં એકત્રિત કરવા મનપા પ્રયોગ!

મુંબઇ સહિતના મહાનગરોમાં મહાપાલિકા દ્વારા પાલતુ કુતરાઓ તેમજ અન્ય પાલતુ પશુઓ અને પ્રાણીઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવાયું છે. રાજકોટમાં આવો કોઇ નિયમ નથી. જેના લીધે રાજકોટમાં પાલતુ કુતરાઓની સંખ્યા કેટલી છે તેનો સત્તાવાર અંદાજ આવી શકતો નથી. દરમિયાન તાજેતરમાં મહાપાલિકા દ્વારા શહેરના તમામ પાલતુ કુતરાઓને સપ્તાહમાં એક વખત શહેરના કોઇ એક ગાર્ડનમાં એકત્રિત કરવાનો કાર્યક્રમ યોજવા વિચારણા શ કરાઇ છે.

રાજકોટમાં શ્ર્વાનપ્રેમીઓની સંખ્યા ખુબ વિશાળ છે પોતાના ઘરે કુતરા પાળતા હોય તેવા નાગરિકો તેમના કુતરાને લઇને બગીચામાં આવે અને સૌ સાથે મળી આનંદ કરે તેવું આયોજન છે. અલબત શહેરમાં શ્ર્વાન માલિકો પોતાની રીતે આવા કાર્યક્રમોનું અવારનવાર આયોજન કરતા હોય છે પરંતુ પ્રથમ વાર સત્તાવાર રીતે મહાનગર પાલિકા તંત્ર આવો કાર્યક્રમ યોજે તેવી સંભાવના છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મહાપાલિકા તંત્ર દ્વારા હોર્સ શો યોજવામાં આવ્યો હતો જેમાં સમગ્ર સૌરાષ્ટ્રના અશ્ર્વપ્રેમીઓને આમંત્રિત કરાયા હતાં.