કેન્દ્ર સરકારે લાવેલા 3 કૃષિ કાયદાઓ સામે ખેડુતોના વિરોધને 60 દિવસથી વધુ સમય થયો છે. દિલ્હીની સિંઘુ બોર્ડર, ટીકરી બોર્ડર અને ગાજીપુરમાં ખેડૂતોનું આ આંદોલન ચાલી રહ્યું છે. 26 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ પરિસ્થિતિ સંવેદનશીલ બની છે. પોલીસ પણ એલર્ટ છે. આ દરમિયાન, કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ખેડૂત આંદોલન અને પત્રકારોની ધરપકડને લઈને ભાજપ અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પોલીસે સિંધુ સરહદ પર ખેડૂત આંદોલનને કવર કરતા પત્રકાર મનદીપ પુનિયાની ધરપકડ કરી હતી, અને પ્રિયંકાના ટ્વીટને આ ઘટના સાથે જોડવામાં આવી રહી છે.

કિસાન આંદોલન દરમિયાન પત્રકારોની ધરપકડ અને બંધ થયેલી ઇન્ટરનેટ સેવાને લઈને પ્રિયંકા ગાંધીએ સરકારને ઘેરી લીધી હતી. તેમણે ટ્વીટ કર્યું, ‘ખેડુતોના આંદોલનને કવર કરતા પત્રકારોની ધરપકડ કરવામાં આવી રહી છે, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઘણી જગ્યાએ ઇન્ટરનેટ બંધ થઈ ગયું છે. ભાજપ સરકાર ખેડૂતોના અવાજને ડામવા માંગે છે, પરંતુ તેઓ ભૂલી ગયા છે કે તમે જટલું દબાવશો એટલો વધુ અવાજ તમારા અત્યાચાર વિરુદ્ધ ઉઠશે.

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ અન્ય એક ટ્વિટમાં કહ્યું, ‘ભાજપ સરકાર એફઆઈઆર દ્વારા પત્રકારો અને જનપ્રતિનિધિઓને ધમકાવવાનું વલણ ખૂબ જોખમી છે. લોકશાહી પ્રત્યે આદર એ સરકારની ઇચ્છા નથી પરંતુ તેની જવાબદારી છે. ડરનું વાતાવરણ લોકશાહી માટે ઝેર જેવું છે.