દિલ્હીમાં વરસાદ પછી પાણી ભરાઇ જવાથી ટ્રાફિક જામ

દિલ્હીમાં અચાનક પડેલા વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં અને ટ્રાફિક જામ થઇ ગયો હતો. જ્યારે મુંબઇમાં આજે વરસાદે વિરામ લેતા મુંબઇવાસીઓએ આજે રાહતના શ્વાસ લીધા હતાં.દિલ્હીમાં પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (પીડબ્લ્યુડી)એ જણાવ્યું હતું કે બપોર સુધીમાં  પાણી ભરાઇ જવાના ૨૨ કોલ આવ્યા હતાં. જ્યારે ઝાડ તૂટી પડવાની ત્રણથી ચાર ફરિયાદો મળી હતી.દિલ્હી ટ્રાફિક પોલીસે એક્સ પર જણાવ્યું હતું કે પાણી ભરાઇ જવાના કારણે આઝાદ માર્કેટથી શાસ્ત્રી નગર જવાના માર્ગે આવેલા આઝાદ માર્કેટ અન્ડરપાસને ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.હવામાન વિભાગની ભારે વરસાદની ચેતવણીને પગલે મુંબઇની શાળા-કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી હતી. આજે મુંબઇમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું પણ વરસાદે વિરામ લેતાં લોકોએ રાહતના શ્વાસ લીધા હતાં.

બીજી તરફ ગોવામાં સળંગ ચોથા દિવસે વરસાદ પડયો હતો. વહીવટી તંત્રે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. હવામાન વિભાગે ગોવામાં આજે રેડ એલર્ટ જારી કરી હતી.આ દરમિયાન આસામમાં હજુ પણ પૂરની સ્થિતિ યથાવત રહી છે. કોંગ્રેસ નેતા ગૌરવ ગોગોઇએ આરોપ મૂક્યો છે કે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની ડબલ એન્જિન સરકારે છેલ્લા આઠ વર્ષમાં આ કાયમી સમસ્યાનો કોઇ ઉકેલ શોધ્યો નથી.ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદથી આવેલા પૂરથી નુકસાન થયું છે. મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ સર્વેક્ષણ કર્યુ હતું. ભૂસ્ખલનને કારણે બે નેશનલ હાઇવે અને ૨૦૦થી વધુ ગ્રામીણ રસ્તાઓ બંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *