ફોરેન ફંડોની વેચવાલીએ વિક્રમી તેજીને સપ્તાહના અંતે વિરામ
વૈશ્વિક મોરચે ચાઈનાના મેગા સ્ટીમ્યુલસ પેકેજના પોઝિટીવ પરિબળ અને ભારત સાથે ચીનના સરહદો પરથી સુરક્ષા દળો પાછા ખેંચવા મામલે વધુ સમજૂતીના સાનૂકુળ સંકેતે વૈશ્વિક બજારોમાં એશીયા, યુરોપમાં અવિરત તેજી છતાં પાછલા છ દિવસથી સળંગ વિક્રમી તેજી બતાવનાર સેન્સેક્સ, નિફટીની વિક્રમી તેજીને આજે સપ્તાહના અંતે ઈન્ટ્રા-ડે નવા ઈતિહાસ બાદ વિરામ આપવામાં આવ્યો હતો. ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું ઈન્ડેક્સ બેઝડ પ્રોફિટ બુકિંગ થયું હતું. ખાસ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડો વેચવાલ રહ્યા હતા. જ્યારે ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની તેજી સાથે ચાઈનાના પોઝિટીવ પરિબળે મેટલ-માઈનીંગ શેરો તેમ જ ઓટોમોબાઈલ શેરોમાં આકર્ષણ રહેતાં મોટું ધોવાણ અટક્યું હતું. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં પાછલા દિવસોમાં વેચવાલી બાદ આજે ઘટાડે પસંદગીના શેરોમાં ખરીદી રહી હતી. સેન્સેક્સ ઈન્ટ્રા-ડે ૧૪૨.૧૩ પોઈન્ટ વધીને ૮૫૯૭૮.૨૫ નવી રેકોર્ડ ઊંચાઈનો ઈતિહાસ રચ્યા બાદ અંતે ૨૬૪.૨૭ પોઈન્ટ ઘટીને ૮૫૫૭૧.૮૫ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ઈન્ટ્રા-ડે ૬૧.૩૦ પોઈન્ટ વધીને ૨૬૨૭૭.૩૫ની નવી ઊંચાઈનો ઈતિહાસ રચી અંતે ૩૭.૧૦ પોઈન્ટ ઘટીને ૨૬૧૭૮.૯૫ બંધ રહ્યો હતો.બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ : આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક ઘટયા.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ક્યારે ઘટાડો શરૂ કરાશે એ મામલે અનિશ્ચિતતાના અહેવાલો વચ્ચે આજે ફંડોની બેંકિંગ શેરોમાં નફારૂપી વેચવાલી થઈ હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૪.૪૦ ઘટીને રૂ.૧૩૦૬.૫૦, એચડીએફસી બેંક રૂ.૨૯.૪૫ ઘટીને રૂ.૧૭૫૨.૮૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૯.૪૫ ઘટીને રૂ.૧૮૭૨.૯૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૪૯.૯૭ પોઈન્ટ ઘટીને ૬૧૧૫૨.૦૩ બંધ રહ્યો હતો.
જેએસડબલ્યુ હોલ્ડિંગ, ટીએમબી, પીટીએમ, આવાસ ગબડયા : પ્રુડેન્ટ એડવાઈઝર્સ, ગો ડિજિટમાં તેજી
ફાઈનાન્શિયલ સર્વિસિઝ અને અન્ય બેંકિંગ શેરોમાં જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૬૪૬.૭૫ તૂટીને રૂ.૮૭૪૮.૫૦, તમિલનાડ મર્કન્ટાઈલ-ટીએમબી રૂ.૨૬.૭૦ ઘટીને રૂ.૪૫૦.૮૦, વન ૯૭ પેટીએમ રૂ.૩૨.૮૫ ઘટીને રૂ.૬૭૨.૪૦, આવાસ ફાઈનાન્શર રૂ.૬૩.૮૫ ઘટીને રૂ.૧૮૨૦.૨૫, પીએનબી હાઉસીંગ રૂ.૨૯.૯૦ ઘટીને રૂ.૯૬૯.૯૫ રહ્યા હતા. જ્યારે ગો ડિજિટ રૂ.૨૧.૫૫ ઉછળી રૂ.૩૭૭.૦૫, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૧૩૭.૭૫ ઉછળી રૂ.૨૬૨૪, અબાન્સ હોલ્ડિંગ્સ રૂ.૧૬.૫૦ વધીને રૂ.૩૭૬.૬૫ રહ્યા હતા.
સાઉદી અરેબિયાના ઉત્પાદન વધારવા નિર્ણયે બીપીસીએલ, આઈઓસી, એચપીસીએલ ઉછળ્યા
સાઉદી અરેબિયા દ્વારા ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં વધારો કરવાના ડેવલપમેન્ટે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોએ આક્રમક ખરીદી કરી હતી. બીપીસીએલ રૂ.૨.૨૦ ઉછળી રૂ.૩૬૭.૩૦, આઈઓસી રૂ.૮.૪૦ વધીને રૂ.૧૭૯.૯૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૨૧.૨૫ વધીને રૂ.૫૮૫.૪૫, એચપીસીએલ રૂ.૧૪.૬૫ વધીને રૂ.૪૩૬.૯૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૬.૪૦ વધીને રૂ.૨૩૬.૯૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૧.૭૦ વધીને રૂ.૩૦૫૨.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૮૦૦.૪૯ પોઈન્ટ ઉછળીને ૩૧૮૯૬.૮૦ બંધ રહ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે સાંજે બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૭૧.૬૫ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડના ૬૭.૭૬ ડોલર નજીક રહ્યા હતા.
સુગર શેરોમાં ફરી વ્યાપક આક્રમક તેજી : રેણુકા સુગર, બલરામપુર, બજાજ હિન્દુસ્તાન, અવધ, દ્વારકેશ ઉછળ્યા
સુગરમાં તહેવારોની સીઝન વચ્ચે ઓકટોબર ૨૦૨૪ માટે ૨૫.૫ લાખ ટનનો સુગર ક્વોટા જાહેર થયા સામે બ્રાઝિલમાં દુકાળને લઈ કોફી અને સુગરના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચી જવાના ડેવલપમેન્ટ અને ખાંડના લઘુતમ ટેકાના ભાવમાં અને ઈથેનોલના ભાવમાં પણ વધારો કરવાની સરકારની વિચારણા સાથે ઈથેનોલના ૨૫ ટકા બ્લેન્ડિંગના અમલ માટે સરકારે નીતિ આયોગનો સંપર્ક કર્યાના ડેવલપમેન્ટે આજે સુગર શેરોમાં આક્રમક તેજીનો નવો રાઉન્ડ શરૂ થયો હતો. રેણુકા સુગર રૂ.૪.૯૫ ઉછળી રૂ.૫૩.૦૭, બલરામપુર ચીની રૂ.૪૨.૩૫ ઉછળી રૂ.૬૫૪.૮૫, બજાજ હિન્દુસ્તાન સુગર રૂ.૨.૬૬ વધીને રૂ.૪૨.૬૭, અવધ સુગર રૂ.૩૬.૮૦ વધીને રૂ.૮૦૨.૫૫, દ્વારકેશ સુગર રૂ.૩.૪૬ વધીને રૂ.૭૬.૭૫, ધામપુર સુગર રૂ.૬.૯૫ વધીને રૂ.૨૨૬.૯૫, ઉત્તમ સુગર રૂ.૧૦.૫૫ વધીને રૂ.૩૫૯.૫૫, ડીસીએમ શ્રીરામ રૂ.૬ વધીને રૂ.૨૦૩.૭૦ રહ્યા હતા.
ઓટોમોબાઈલ શેરોમાં સતત તેજી : એકસાઈડ રૂ.૨૬ ઉછળી રૂ.૪૯૭ : બોશ, કમિન્સ, એમઆરએફમાં તેજી
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોની સતત ખરીદી રહી હતી. હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેગા રૂ.૨૫,૦૦૦ કરોડના આઈપીઓને સેબીની મંજૂરીના સતત આકર્ષણે ફંડો ઓટો શેરોમાં લેવાલ રહ્યા હતા. એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૫.૯૫ વધીને રૂ.૪૯૭.૪૫, બોશ રૂ.૮૩૫.૫૦ વધીને રૂ.૩૭,૯૪૦.૧૦, ટીવીએસ મોટર રૂ.૫૭.૪૦ વધીને રૂ.૨૯૪૫.૯૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૬૪.૮૫ વધીને રૂ.૩૮૫૮.૮૫, એમઆરએફ રૂ.૨૩૨૨.૫૦ વધીને રૂ.૧,૪૧,૧૧૬, આઈશર મોટર્સ રૂ.૬૫.૩૦ વધીને રૂ.૫૦૫૯.૬૦, મારૂતી સુઝુકી રૂ.૬૫.૭૦ વધીને રૂ.૧૨,૬૮૨.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૦૨.૦૮ પોઈન્ટ વધીને ૬૨૨૩૭.૩૮ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં તેજી : સિક્વેન્ટ રૂ.૨૭, ફાઈઝર રૂ.૪૦૫, પી એન્ડ જી રૂ.૨૪૬, ઓર્કિડ રૂ.૫૩ ઉછળ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે નવેસરથી આક્રમક ખરીદી શરૂ થઈ હતી. સિક્વેન્ટ સાઈન્ટિફિક રૂ.૨૬.૯૫ ઉછળી રૂ.૨૧૭.૩૫, ફાઈઝર રૂ.૪૦૫.૧૦ ઉછળી રૂ.૫૮૧૫.૪૫, પ્રોકટર એન્ડ ગેમ્બલ રૂ.૨૪૬.૩૦ ઉછળી રૂ.૫૫૧૯.૩૦, ઓર્કિડ ફાર્મા રૂ.૫૨.૭૫ વધીને રૂ.૧૪૨૩.૧૫, ગ્લેનમાર્ક લાઈફ રૂ.૩૧.૨૦ વધીને રૂ.૧૦૪૯.૮૦, સિપ્લા રૂ.૪૯.૫૦ વધીને રૂ.૧૬૭૧.૬૦, સ્ટ્રાઈડ ફાર્મા રૂ.૩૭.૫૫ વધીને રૂ.૧૪૦૭.૦૫, અજન્તા ફાર્મા રૂ.૮૪.૬૦ વધીને રૂ.૩૨૬૭.૯૦, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૦.૫૦ વધીને રૂ.૧૯૪૮.૯૦ રહ્યા હતા.
ચાઈનાના ડેવલપમેન્ટે મેટલ શેરોમાં વધતું આકર્ષણ : વેદાન્તા, નાલ્કો, કોલ ઈન્ડિયા, હિન્દાલ્કોમાં તેજી
ચાઈનાના મેગા સ્ટીમ્યુલસથી ફરી ઔદ્યોગિક વૃદ્વિ વેગ પકડવાની અપેક્ષા અને મેટલની માંગ વધવાના અંદાજોએ વૈશ્વિક બજારોમાં લંડન મેટલ એક્સચેન્જમાં કોપર સહિતના ભાવો વધી આવતાં ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં સતત ખરીદી રહી હતી. વેદાન્તા રૂ.૧૧ વધીને રૂ.૫૧૨.૮૫, નાલ્કો રૂ.૪.૧૦ વધીને રૂ.૨૦૭, કોલ ઈન્ડિયા રૂ.૯.૭૦ વધીને રૂ.૫૧૬.૦૫, હિન્દાલ્કો રૂ.૧૨.૯૦ વધીને રૂ.૭૪૭.૪૦, એપીએલ અપોલો રૂ.૧૫.૫૫ વધીને રૂ.૧૫૨૯.૩૦, સેઈલ રૂ.૧.૨૦ વધીને રૂ.૧૪૦.૪૫ રહ્યા હતા.
FPIs/FIIની રૂ.૧૨૦૯ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૬૮૮૭ કરોડની જંગી ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં શેરોમાં રૂ.૧૨૦૯.૧૦ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૨૬,૧૩૫.૯૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૭,૩૪૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૬૮૮૬.૬૫ કરોડની જંગી ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૫૦,૦૪૨.૬૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૩,૧૫૬.૦૪ કરોડની વેચવાલી થઈ હતી.
ઘટાડે સ્મોલ, મિડ કેપ શેરોમાં સિલેક્ટિવ ખરીદીએ માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ : ૧૯૭૯ નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ વિક્રમી તેજીને બ્રેક લાગ્યા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘટાડે પસંદગીનું વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી સાધારણ પોઝિટીવ બની હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૭૯ અને ઘટનારની સંખ્યા ૧૯૫૭ રહી હતી.
રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૭૭ હજાર કરોડ વધીને રૂ.૪૭૭.૯૩ લાખ કરોડની નવી ટોચે
સેન્સેક્સ, નિફટીની વિક્રમી તેજી વિરામ સામે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ નીકળતાં અને એ ગુ્રપના પસંદગીના શેરોમાં આકર્ષણે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ એક દિવસમાં રૂ.૭૭ હજાર કરોડ વધીને રૂ.૪૭૭.૯૩ લાખ કરોડની નવી વિક્રમી ઊંચાઈએ પહોંચ્યું હતું.