સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીનેવિશ્વ બજારમાં ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક વાગી હતી તથા ભાવ ઉંચા મથાળેથી પ્રત્યાઘાતી  ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર ટોચ પરથી પીછેહટ બતાવતા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૭૩થી ૨૬૭૪ વાળા નીચામાં ૨૫૬૮થી ૨૬૫૯ થઈ ૨૬૭૦થી ૨૬૭૧ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ ઝવેરી બજારોમાં તેજીના વળતા પાણી દેખાયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના  રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૮૧૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ વધતા અટકી કિલોના રૂ.૯૦૫૦૦ના મથાળે અથડાતા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોનામાં ઉંચા મથાળે ફંડોની નફારૂપી વેચવાલી દેખાઈ  હતી. દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔશના ૩૨.૨૯થી ૩૨.૩૦ વાળા નીચામાં ૩૧.૫૮ થઈ ૩૨.૧૭થી ૩૨.૧૮ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં  સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૪૪૭ વાળા રૂ.૭૫૩૩૭ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૭૫૭૫૦ વાળા રૂ.૭૫૬૪૦ રહ્યા હતા. 

  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૨૫૨૨ વાળા રૂ.૯૦૭૫૮ થઈ રૂ.૯૧૪૪૮ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં કોપરના ભાવ ઉંચેથી ૦.૬૮ ટકા ઘટયા હતા.  ચીનમાં કેશ-રિઝર્વ રેશિયો ઘટાડયાના સમાચાર છતાં કોપરના ભાવ આજે વિશ્વ બજારમાં  ઘટયા હતા. વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ પણ સુસ્ત હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૧.૫૧ વાળા ૭૦.૯૨ થઈ ૭૧.૪૪ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૭.૯૫ વાળા નીચામાં ૬૭.૦૬  થઈ ૬૭.૬૮ ડોલર રહ્યા હતા.  સાઉદી અરેબિયા ઉત્પાદન વધારશે એવા વાવડ હતા. દરમિયાન, વિશ્વ બજારનાં સમાચાર મુજબ ચીનની સરકારે શોર્ટ-ટર્મ બોરોઈંગ કોસ્ટમાં ૨૦ પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યાના સમાચાર પણ આવ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૧૪થી ૧૦૧૫ વાળા ઉંચામાં ૧૦૧૯ થઈ ૧૦૧૬થી ૧૦૧૭ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૧૦૬૪થી ૧૦૬૫  વાળા નીચામાં ૧૦૨૩ થઈ ૧૦૩૮થી ૧૦૩૯ ડોલર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *