જીવનમાં લોકો હંમેશા તમારા પર ‘લેબલ’ લગાડશે, તમને હતોત્સાહ કરવા પ્રયત્નો કરશે…
કલાસરૂમમાં એક વિદ્યાર્થીએ આર્યન નામના તેના સહાધ્યાયીની મજાક કરવા તેની પીઠ પાછળ તેની જાણ બહાર એક કાગળ ટુકડો ચોંટાડી દીધો. કાગળ પર લખ્યું હતું, ‘હું મૂર્ખ છું.’ તોફાનીએ બીજા સૌને કહી દીધુંઃ પ્લીઝ, તમે લોકો ચુપ રહેજો. કંઈ ન બોલતા! આખા પિરીયડ દરમિયાન સૌ છોકરાઓ સ્ટીકર જોઈને વચ્ચે વચ્ચે હસતા રહ્યા.
બપોરે ગણિતના શિક્ષકે એક અઘરો પ્રશ્ન બોર્ડ પર લખ્યો અને તેનો જવાબ પૂછ્યો. આર્યન સિવાય કોઈએ હાથ ઊંચો ન કર્યો. આર્યન બોર્ડ તરફ આગળ વધી રહ્યો હતો ત્યારે બધા વિદ્યાર્થીઓ તેની પાછળ હસી રહ્યા હતા. શિક્ષકે જોયું કે આર્યનની પીઠ પર કાગળનો ટુકડો ચોંટાડેલો છે. આર્યને તરત જ પ્રશ્ન ઉકેલી દીધો. શિક્ષકે આખા કલાસને તે આર્યનને વધાવી લેવા કહ્યું અને તેની પીઠ પરનું સ્ટીકર કાઢી નાંખ્યું. શિક્ષકે આર્યનને કહ્યું, ‘આર્યન, તને ખબર જ નથી કે તારી પીઠ પર કોઈએ સ્ટિકર લગાવી દીધું છે…’ પછી કલાસના વિદ્યાર્થીઓને કહ્યું ‘તમને શિક્ષા કરું તે પહેલાં બે વાત કહેવી છે. પહેલી વાત. જીવનમાં ઘણા લોકો હમેશા તમારા પર ‘લેબલ’ લગાડશે, તમને હતોત્સાહ કરવા પ્રયત્નો કરશે. જો આર્યનને સ્ટિકરની ખબર પડી ગઈ હોત તો તે કદાચ જવાબ આપવા ઊભો જ ન થાત. લોકોના બિનજરૂરી અભિપ્રાયો, ટીકાઓથી તમારો આત્મવિશ્વાસ ના ગુમાવતા, તમારી માન્યતાથી, તમારી ધ્યેયથી ચલિત ન થતા.’થોડું અટકીને શિક્ષકે કહ્યું, ‘હવે બીજી વાત. એ સ્પષ્ટ છે કે આ કલાસમાં કોઈ આર્યનનો વિશ્વાસુ મિત્ર નથી જ આ સ્ટિકર વિશે તેને કરી શકયો હોત. જીવનમાં મિત્રો હોય તે બહુ જરૂરી છે, પરંતુ એવા મિત્રોની પસંદગી કરવી જે તમારા હિતેચ્છુ હોય અને જે તમને સંકટ સમયે સાથ આપે.’બધા છોકરાઓએ આર્યનને સોરી કહ્યું. આજે સૌને એક મહત્ત્વનો પદાર્થપાઠ શીખવા મળ્યો હતો.