‘પુરૂષોને રાંધતા નહીં આવડતું હોય તો કેટલો સમય બહારથી મગાવીને ખાશે? ‘મિસિસ’ ફિલ્મમાં આ પ્રકારની માનસિકતા બદલવાની વાત કરવામાં આવી છે.’ ‘આ વિશ્વપ્રસિધ્ધ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું કોને ન ગમે? અલબત્ત, હું માત્ર ત્યાં લાલ જાજમ પર ચાલવા કરતાં મારી ફિલ્મની સ્ક્રીનિંગમાં જવાનું વધુ પસંદ કરીશ.’
ફિલ્મ ‘દંગલ’માં પોતાની અભિનય પ્રતિભાનો પરચો બતાવનાર અભિનેત્રી સાન્યા મલ્હોત્રાએ ખરેખર દંગલ મચાવી દીધું. તેણે ‘દંગલ’માં ‘બબિતા કુમારી’ અને ‘જવાન’માં ‘ડૉ. ઈરમ’ના કિરદાર અદા કરીને બતાવી આપ્યું કે તે માત્ર રૂપાળી નથી, તેની અંદર એક અચ્છી અદાકારા ધબકે છે. તાજેતરમાં સાન્યાને ન્યુયોર્ક ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં તેની આગામી ફિલ્મ ‘મિસિસ’ માટે બેસ્ટ એકટ્રેસનો ઍવોર્ડ મળ્યો.કોઈપણ કલાકારના કામની સરાહના પારિતોષિક આપીને કરવામાં આવે ત્યારે તેના આનંદનો પાર ન રહે તે સ્વાભાવિક છે. સાન્યાને જ્યારે પારિતોષિકથી નવાજવામાં આવી ત્યારે તે પણ ફૂલી નહોતી સમાઈ. આમ છતાં તે કહે છે કે મને ખરો સંતોષ ત્યારે થશે જ્યારે ભારતમાં આ ફિલ્મની રજૂઆત થશે અને અહીંના દર્શકો મારી પ્રશંસા કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘મિસિસ’ જાણીતી મલયાલમ મૂવી ‘ધ ગ્રેટ ઇન્ડિયન કિચન’ની રીમેક છે. આ ફિલ્મમાં એક સામાન્ય ગૃહિણીની નીરસ દૈનંદિનીને અત્યંત પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવી છે. અભિનેત્રી આ કહાણી વિશે કહે છે કે મને હમેશાંથી ગૃહિણીઓ પ્રત્યે સહાનુભૂતિ રહી છે. વાસ્તવમાં ગૃહિણીઓ દિવસ-રાત અવિરત કામ કરતી રહે છે. આમ છતાં તેમનું કામ કોઈને કામ નથી લાગતું. કોઈ તેમના કામની કદર નથી કરતું. હું આ કિરદાર ભજવી રહી હતી ત્યારે એક તબક્કે ગુંગળામણ અનુભવવા લાગી હતી. પરંતુ હું મારા કામમાં કોઈ બાંધછોડ નથી કરતી. હા, મને ‘મિસિસ’ના માધ્યમથી એટલું ચોક્કસ શીખવા મળ્યું કે ગૃહિણીઓનું કામ સૌથી મુશ્કેલ હોય છે. અને જે મજબૂત હોય તેના હિસ્સામાં જ અઘરું કામ આવે.
અદાકારા વધુમાં કહે છે કે આપણા સમાજમાં ઘર સંભાળવાની સઘળી જવાબદારી મહિલાઓના શિરે નાખી દેવામાં આવી હોવાથી તેમને ક્યારેય માથું ઊંચકીને જોવાની ફુરસદ પણ નથી મળતી. ઘરના સઘળાં કામ તે જ કરે એવો દુરાગ્રહ રાખવામાં આવે છે. પરંતુ હું દ્રઢપણે માનું છું કે ઘરના સઘળાં કામ પુરૂષોને તેમ જ ઘરના પ્રત્યેક સભ્યને આવડવા જોઈએ. જો ઘરના પુરૂષોને રાંધતા નહીં આવડતું હોય તો જરૂર પડયે કેટલો સમય તેઓ બહારથી મગાવીને ખાશે? ‘મિસિસ’માં આ પ્રકારની માનસિકતા બદલવાની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ લોકોને આ વિષય પર વિચાર કરવા પ્રેરશે. ખરેખર તો મને એવી ફિલ્મો કરવામાં જ રસ છે જે સમાજને કોઈક સંદેશો આપે.
સાન્યા હવે ‘સુનીલ સંસ્કારી કી તુલસી કુમારી’ અને ‘અનામ’માં કામ કરવાની છે. અભિનેત્રી કહે છે કે આ બંને ફિલ્મો વિશે હાલના તબક્કે કાંઈપણ કહેવું વહેલાસરનું ગણાશે. આમ છતાં હું એટલું ચોક્કસ કહીશ કે બંનેના કિરદાર મેં અત્યાર સુધી ભજવેલાં પાત્રો કરતાં તદ્દન વેગળાં છે. હું હમેશાંથી વૈવિધ્યસભર રોલ કરવાની આગ્રહી રહી છું. તેથી જ અત્યાર સુધી કોઈ મને ચોક્કસ ચોકઠામાં બાંધી નથી શક્યું અને ભવિષ્યમાં પણ નહીં બાંધી શકે.
સાન્યાની ફિલ્મને ‘ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ’માં પારિતોષિકથી નવાજવામાં આવી તેથી સામાન્ય ભારતીયો પણ બહુ ખુશ છે. તેઓ કહે છે કે આ ફિલ્મોત્સવ હોય કે કાન જેવા અન્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલો. છેલ્લા કેટલાંક વર્ષથી તેમાં ભારતીય ફિલ્મો પ્રશંસા પામી રહી છે, ઍવોર્ડ્સ મેળવી રહી છે. નહીં તો લાંબા વર્ષો સુધી આ પ્રકારના ફિલ્મોત્સવો માત્ર ફેશન અને પોશાક માટે જાણીતાં હતાં. જોકે સાન્યા આ બાબતે અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે. તે કહે છે કે ફેશન અને ગ્લેમર દુનિયાભરના ફિલ્મોદ્યોગોના અવિભાજ્ય અંગ બની રહ્યાં છે. તેને તમે ફિલ્મી દુનિયાથી અલગ ન કરી શકો. હા, ઘણી વખત લોકો મને પૂછતાં હોય છે કે શું તને કાન ફિલ્મોત્સવમાં જવાનું ગમશે? તેમને હું કહું છું કે આ વિશ્વપ્રસિધ્ધ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું કોને ન ગમે? હા, જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી હું માત્ર ત્યાંની લાલ જાજમ પર ચાલવા જવા કરતાં મારી ફિલ્મની સ્ક્રીનિંગમાં જવાનું વધુ પસંદ કરીશ.