મગરને આવ્યાં ચક્કર!

એક હતો મગર. તે એક મોટ્ટા તળાવમાં રહે. તળાવના પાણીમાં આમથી તેમ તરતો રહે અને બધાને કહેતો રહે- ‘હું આ તળાવનો રાજા છું! જો મારી વાત કોઇ નહીં માને તો હું તેને ખાઇ જઇશ!’વારંવાર આવી ધમકીઓ આપી-આપીને મગર સૌને ડરાવે. આડેધડ નાના જીવોનો શિકાર કરીને પોતાની મનમાની કરે. આથી તળાવમાં તો બધાય મગરથી ખૂબ ડરે.

દેડકાઓ તો એને દેખતાં જ કહે- ‘જો આવ્યો લુચ્ચો ને લાલચુ! કેવો બધાંયને ડરાવે છે!’બતકબેન પણ એનાંથી ખૂબ ડરે અને કહે- ‘આ તો કાળ છે… કાળ! એની નજીક પણ ન જવાય!’માછલીબેન તો એને જોતાં જ ભાગે.મગરના આવા વર્તનથી ત્રાસીને ઘણાંય જળચર-જીવો તો આ તળાવ છોડીને બીજા તળાવમાં રહેવા ચાલ્યા ગયાં હતાં. જે રહેતાં હતાં એમાંથી પણ મગરને કોઇ પસંદ કરતું નહોતું.એમ કરતાં એક દિવસ એવો આવ્યો કે તળાવમાં મગર સિવાય ખાસ કોઇ બચ્યું નહીં. તે એકલો આમથી તેમ પાણીમાં આંટાફેરા કરે, પણ હવે શિકાર માટે પણ કંઇ બચ્યું નહીં. ડરાવવા-ધમકાવવા માટે પણ કોઇ રહ્યું નહીં.

મગરને ખૂબ ભૂખ લાગે પણ શિકાર તો મળે નહીં! આથી મગર તળાવની બહાર મોં રાખીને આસપાસ જુએ કે કંઇ શિકાર કરવા જેવું મળે તો આ ખાલી પેટ તો ભરાય. નહીં તો આમ ને આમ તો ભૂખ્યા જ મરી જવાશે!એક દિવસ મગર તળાવનાં કાંઠે બહાર મોં રાખીને બેઠો-બેઠો શિકારની રાહ જોઇ રહ્યો હતો. ખૂબ ભૂખ લાગી હતી, પણ કોઇ શિકાર હાથ લાગતો ન્હોતો..ઘણીવાર પછી એક સસલો દૂરથી આવતો દેખાયો. પોચો-પોચો રૂ જેવો સસલો જોઇને મગરનાં મોંમાં પાણી આવ્યું. તે મનોમન વિચારવા લાગ્યો- ‘આ સસલો મળી જાય તો ખાવાની કેવી મજા પડી જાય! ચાલને કંઇ યુકિત કરી એને ફસાવી લઉં!’

સસલો નજીક આવ્યો એટલે મગર બોલ્યો- ‘અરે, સસલાભાઇ! તમે આ બાજુ? આજે તો અમારા મહેમાન બનો! અહીંથી એમનેમ ન જવાય!’સસલો મગરની મીઠી-મીઠી વાતો સાંભળીને તેનાં મનની મેલી મુરાદ સમજી ગયો. તેણે કહ્યું – ‘હા, મારે ઘેર પાર્ટી છે. બધાંયને નોતરું આપવા નીકળ્યો છું. સારું થયું તમે મળી ગયા. મગરભાઇ, તમે પણ જરૂર આવજો હો,પાર્ટીમાંં!’

‘પાર્ટી? ઓહો!’ મગર તો મનોમન રાજી થઇ ગયો.

‘હા, પાર્ટીમાં બધાને ભાવતાં ભોજન કરાવવાનો છું!’

મગર તો ખુશ-ખુશ થઇ ગયો- ‘ભાવતાં ભોજન! આહા! તો-તો જરૂર આવીશ! ક્યારે છે પાર્ટી?”બસ, આજે બપોરે જ છે. જરૂર પધારજો!’ એમ કહીને સસલો ત્યાંથી નીકળી ગયો.મગર તો જીભ લપલપાવતો ને પૂંછ પટપટાવતો ડાન્સ કરવા લાગ્યો- ‘ભાવતાં ભોજનની પાર્ટી! આહાહા..!’આ તરફ સસલાએ રીંછ, વાંદરો, હાથીભાઇ એમ બધાંય મિત્રોને કહી દીધું કે, પેલો લુચ્ચો ને લાલચુ મગર આજે બપોરે ભોજનની લાલચે અહીં મારે ઘેર આવવાનો છે.આ સાંભળીને વાંદરાએ મગરને સરખો પદાર્થ-પાઠ શીખવવાની યોજના ઘડી કાઢી અને બધાંય મિત્રોને યોજના બરાબર સમજાવી દીધી.બપોર થયો એટલે મગર આવ્યો. સસલાએ તેને આવકાર્યો. મગર તો ‘ભાવતાં ભોજન’ની લાલચમાં મનોમન ખૂબ ખુશ થતો હતો.

હાથીભાઇએ કહ્યું- ‘મગરભાઇ! આ ઝાડના થડને ટેકે આરામથી બેસો. મજા આવશે!”હા, હા!’ કહીને મગર ઝાડના થડનો ટેકે બેસી ગયો.સસલાએ સીટી મારીને વાંદરાને કહ્યું- ‘મગરભાઇ આપણાં મહેમાન કહેવાય. એમની મહેમાનગતિ કરો!’વાંદરાએ ફટાક દઇને પહેલેથી લાવી રાખેલી વડવાઈથી મગરને બાંધી દીધો. મગર મૂંઝાયો- ‘આ શું કરો છો?’સસલો કહો- ‘ભાવતાં ભોજન કરતાં પહેલાં આ વિધિ જરૂરી છે, મગરભાઇ!”ઓહો!’ મગરનાં મોંમાં ફરી પાણી આવ્યું.વડવાઈથી મગર બરાબર બંધાઇ ગયો એટલે વાંદરાએ કહ્યું- ‘મિત્રો, હવે ભોજન લઇ આવો ને મગરભાઇને ખવડાવો!’

‘યે…’ કરતાંક સસલો, રીંછ, હાથી, હરણ બધાંએ એકસાથે મગર ઉપર પથ્થરમારો ચાલુ કર્યો! પથ્થર મારતાં જાય ને બધાંય બોલતાં જાય-‘ભાવતાં ભોજન ખાવ,મગરભાઇ! આવો નહીં આવે લ્હાવ!’પંદર-વીસ મિનિટ પથ્થરમારો ચાલુ રહ્યો ત્યાં તો મગર લોહીલુહાણ થઇ ગયો! ‘ઓઇ મા… ઓઇ બાપલિયા! મને છોડી દો! મને છોડી દો!’ એમ ચીસાચીસ કરવા લાગ્યો!હાથીભાઇએ કહ્યું- ‘તું તો રાજા છેને! આવા ભોજનનો લાભ તને મળવો જ જોઈએ!’મગરે કરગરતાં કહ્યું- ‘મારી ભૂલ થઈ ગઈ! હું રાજા નથી! ને હવેથી કોઇને ડરાવીશ પણ નહીં કે પરેશાન પણ નહીં કરું! મને માફ કરો! મને છોડી દો!”હા, હા, હા! હવે બરાબર!’ બધાંએ હસતાં-હસતાં આખરે દયા ખાઈને મગરને છોડી દીધો. એ દોડીને તળાવ તરફ જવા ગયો ત્યાં તો એને ચક્કર આવી ગયાં! 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *