દેશના આ ભાગોમાં 4 દિવસમાં ચોમાસું પહોંચશે,

 પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના મોટાભાગના ભાગોમાં ભીષણ ગરમી પડી રહી છે. સોમવારે ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા ભાગોમાં પણ લૂ નો કહેર યથાવત રહ્યો હતો. ત્યારે હવે  ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું છે કે ચોમાસું 4 દિવસમાં મહારાષ્ટ્ર, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને બિહારના ભાગોમાં પહોંચવાની સંભાવના છે.

આ રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

આ ઉપરાંત IMDએ ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, ચંદીગઢ, જમ્મુ, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, બિહાર અને ઝારખંડમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. છત્તીસગઢમાં ગરમીને જોતા ઉનાળુ વેકેશન 25 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે અને 26મી જૂનથી શાળાઓ ખુલશે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગંભીર હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની સંભાવના છે. આ પછી તે ધીમે ધીમે ઘટી શકે છે. એટલે કે 20 જૂનથી આકરી ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા છે.

કયા રાજ્યોમાં હીટવેવ અને ક્યા રાજ્યોમાં વરસાદ?

IMD અનુસાર આજે પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડના ઘણા ભાગોમાં હીટ વેવથી રહેવાની સંભાવના છે. તો બીજી તરફ આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમના પૂર્વોત્તર રાજ્યોના ઘણા ભાગોમાં આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

ચોમાસું ક્યારે અને ક્યાં પહોંચશે?

હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચોમાસું 20-30 જૂન સુધીમાં ઉત્તર પ્રદેશ અને 27 જૂનની આસપાસ દિલ્હી પહોંચવાની ધારણા છે. ત્યારબાદ પંજાબ અને હરિયાણામાં પણ ચોમાસુ પ્રવેશી શકે છે. સોમવારે પણ દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો હતો. ગુજરાતના દ્વારકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *