દિલ્હીમાં ગયા સપ્તાહે તાપમાન વધીને 52.3 ડિગ્રી સે.ને પાર થઈ ગયું હતું. આ બાબતની દિલ્હી હાઈકોર્ટે પણ નોંધ લીધી છે. હાઈકોર્ટે કહ્યું કે, વૃક્ષો કાપવા મુદ્દે વર્તમાન પેઢી હાલની જેમ જ ઉદાસીન વલણ અપનાવી રાખશે તો રાજધાની દિલ્હી ઉજ્જડ રણ બની જાય એ દિવસો દૂર નથી.દિલ્હીના મુંગેશપુરમાં બુધવારે મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સે. નોંધાયું હતું, જે શહેરમાં આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. ન્યાયાધીશ તુષાર રાવ ગેડેલાએ કહ્યું કે, એ હકીકતને ધ્યાનમાં લેવામાં આવી છે કે 30 મેના રોજ દિલ્હીમાં મહત્તમ તાપમાન 52.3 ડિગ્રી સે. નોંધાયું હતું. વર્તમાન પેઢી વૃક્ષોના કપાવા અને જંગલોના દૂર થવા મુદ્દે ઉદાસીન દૃષ્ટિકોણ અપનાવી રાખશે તો આ શહેર માત્ર ઉજ્જડ રણ બની જાય તે દિવસો દૂર નથી.
હાઈકોર્ટે આ પહેલાં પૂર્વ ન્યાયાધીશ નઝમી વઝિરીને દિલ્હીમાં વૃક્ષોના સંરક્ષણ સંબંધિત શહેરના અધિકારીઓની એક આંતરિક વિભાગીય સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. હાઈકોર્ટને જણાવાયું કે, વઝિરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછતના કારણે તેમની ફરજો પૂરી કરવામાં અસમર્થ છે.હાઈકોર્ટે કહ્યું કે, સમિતિના અધ્યક્ષ ન્યાયાધીશ વઝિરી ઓફિસના સ્થળ અથવા ક્લાર્ક અને સહાયક કર્મચારીઓ અથવા ત્યાં સુધી કે ટ્રાન્સપોર્ટ સાધનોની અછતના કારણે જવાબદારીઓ નિભાવવામાં અસમર્થ હોય તેવી સ્થિતિ સાંખી લેવાશે નહીં.વકીલ આર. અરૂણાદ્રિ ઐય્યરના માધ્યમથી દાખલ સમિતિના અધ્યક્ષના રિપોર્ટ મુજબ દિલ્હી સરકારને સમિતિના અધ્યક્ષ તેમની જવાબદારીઓ અસરકારક રીતે નિભાવી શકે તે માટે સચિવાલયના સપોર્ટ સ્ટાફ અને પરિવહન સાથે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની માહિતી અપાઈ હતી. હાઈકોર્ટે તંત્રને સમિતિના અધ્યક્ષને આગામી 15 દિવસમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા નિર્દેશ આપ્યા હતા.