મધ્યપ્રદેશના રાજગઢમાં જાનૈયાઓથી ભરેલું ટ્રેક્ટર પલટી ખાઈ જતાં 13 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં ચાર બાળકો પણ સામેલ હોવાના અહેવાલ મળી રહ્યા છે. આ ઘટનામાં 15 જેટલાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમની હાલમાં સારવાર ચાલી રહી છે. 

લગ્ન પ્રસંગમાં માતમ છવાયું 

આ ઘટના રાજગઢના પીપલોદી નજીક રવિવારે રાતે 8 વાગ્યાની આજુબાજુ બની હતી. જાનૈયાઓથી ભરેલું ટ્રેક્ટર એકાએક પલટી ખાઈ જતાં ઊહાપોહ મચી ગયો હતો. તંત્રના એક અધિકારીએ કહ્યું કે રાજસ્થાનના મોતીપુરાથી કુલામપુર તરફ એક જાન જઇ રહી હતી. આ દરમિયાન જ ઘટના બની હતી. 

મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો 

આ ઘટનાની જાણ થતાં જ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે રાજગઢના કલેક્ટર હર્ષ દીક્ષિત, પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ અને મંત્રી નારાયણ સિંહ પંવાર ઘટનાસ્થળે હાજર છે. અમે રાજસ્થાન સરકાર અને પોલીસના પણ સંપર્કમાં છીએ. ઘાયલોને રાજગઢની જિલ્લાની હોસ્પિટલમાં ખસેડાયા હતા.