રાજ્યમાં તાપમાન 50 ડિગ્રીને પાર લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ગયા

ઉત્તર-પશ્ચિમ ભારતમાં આગ વરસી, કેરળમાં ભારે વરસાદ

જૈસલમેરમાં તાપમાન 50ને પાર જતા વિંડમિલમાં ભારે આગ, અનેક જિલ્લામાં રેડ એલર્ટ, હીટસ્ટ્રોકના 3622 કેસ.

દેશમાં અનેક રાજ્યોમાં આ ઉનાળામાં તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજધાની દિલ્હીમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, મંગળવારે દિલ્હીના મુંગેશપુર અને નારેલામાં તાપમાન 49.9 ડિગ્રી રેકોર્ડ થયું છે જ્યારે નજફગઢમાં તાપમાન 49.8 ડિગ્રી નોંધાયું હતું. દિલ્હીમાં આ ઉનાળાનું સૌથી ઉંચુ તાપમાન નોંધાયું છે. દિલ્હીના અન્ય ત્રણ વિસ્તારોમાં 48 ડિગ્રીથી વધુ જ્યારે ચાર વિસ્તારોમાં ૪૬ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. દરમિયાન રાજસ્થાનમાં ગરમીએ 25 વર્ષનો રેકોર્ડ તોડયો છે. રાજસ્થાનના પિલાનીમાં તાપમાન 49 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે 25 વર્ષમાં સૌથી વધુ છે. જ્યારે ચુરુમાં 50.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે કેરળમાં પ્રિ-મોનસૂનનો ભારે વરસાદ પડયો હતો.

ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે, જ્યારે કેરળમાં ભારે વરસાદ પડયો હતો. હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ પશ્ચિમમાં ત્રણથી ચાર દિવસમાં ચોમાસાનું આગમન થઇ જશે. મંગળવારે ચોમાસુ માલદિવ્સ અને દક્ષિણ અરેબિયન સમુદ્ર તરફ આગળ આવ્યું હતું. આગામી ત્રણથી ચાર દિવસમાં દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમન થઇ જશે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું. કેરળમાં મંગળવારે ભારે પવન સાથે વરસાદ પડયો હતો. રાજ્યના કોચીમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા હતા. 

કેરળમાં ભારે વરસાદ પડયો હતો ત્યારે બીજી તરફ રાજસ્થાન અને દિલ્હીમાં આકાશમાંથી આગ વરસી રહી છે. રાજસ્થાનમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાન રેકોર્ડ તોડી રહ્યું છે. ભારે હીટવેવને કારણે જૈસલમેરમાં વિંડમિલમાં ભારે આગ લાગી હતી. અહીંયા તાપમાન ૫૦ ડિગ્રીને પાર જતા આગ લાગી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આગ લાગવાની તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા. રાજસ્થાનમાં ગરમીને કારણે અનેક લોકો માર્યા ગયા છે જ્યારે હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યા 2809થી વધીને 3622એ પહોંચી ગઇ છે. જૈલમેર, બાડમેર, દૌસા, ધોલપુર સહિતના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. 

 જ્યારે ઠંડો પ્રદેશ ગણાતા જમ્મુ કાશ્મીરમાં પણ આ વર્ષે તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કાશ્મીરના ગેટવે તરીકે જાણીતા કાઝીગૂંડમાં તાપમાને છેલ્લા 43 વર્ષનો રેકોર્ડ તોડયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં તાપમાન 34 ડિગ્રીએ પહોંચ્યું હતું જે સામાન્ય કરતા આઠ ડિગ્રી વધુ છે. આ પહેલા આટલુ તાપમાન 31 મે, 1981માં નોંધાયું હતું. એક દિવસ અગાઉ પણ અહીંયા તાપમાન 33  ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે પર્યટકો માટે જાણીતા પહલગામમાં તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું જે વર્ષ 2000 બાદ સૌથી ઉંચુ છે.  

બીજી તરફ  સેન્ટર ફોર સાઇન્સ એન્ડ એન્વાયરમેન્ટ (સીએસઇ)એ દિલ્હી, મુંબઇ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નાઇના હીટવેવના ડેટાનો અભ્યાસ કર્યો હતો. જે પરથી સામે આવ્યું છે કે ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી વિસ્તારોમાં હીટવેવ વધુ રહી હતી. રાત્રે પણ શહેરોનું તાપમાન ગરમ રહેવાનું કારણ દિવસે પડેલી ગરમી બહાર ના નાકળી શકતી હોવાનું તારણમાં સામે આવ્યું છે. શહેરોમાં બાંધકામ વધી રહ્યા છે જ્યારે વૃક્ષોનું પ્રમાણ ઘટી રહ્યું છે જે તાપમાન વધવા પાછળનું મુખ્ય કારણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *