મોટાભાગના લોકો પોતાનું રોકાણ સુરક્ષિત રાખવા આજે પણ બેન્ક એફડીનો વિકલ્પ અપનાવે છે. તેઓ માને છે કે, તેમના પરસેવાની કમાણી ક્યાંક જોખમી સ્રોતોમાં વેડફાઈ ન જાય. ફિક્સ્ડ ડિપોઝિટમાં ઓછુ પણ સુરક્ષિત રિટર્નની ખાતરી હોય છે, જેમાં મેચ્યોરિટી (પાકતી મુદ્દતે)ના સમયે તણાવમુક્ત નિર્ધારિત નફો મળે તે હેતુ સાથે બેન્ક એફડીમાં રોકાણ કરતાં હોય છે. ખાસ કરીને વરિષ્ઠ અને નિવૃત્તના કિનારે ઉભેલા રોકાણકારો બેન્ક એફડીમાં સુરક્ષિત રોકાણ માટે બેન્ક એફડીનો વિકલ્પ અપનાવી શકે છે.
બેન્ક એફડીમાં પણ રોકાણનું સાતત્ય જળવાય તો તમે તમારી મૂડી ડબલ કરી શકો છો. સામાન્ય રીતે બેન્ક એફડીમાં 6થી 7 ટકા વ્યાજ મળતુ હોય છે. પરંતુ તમે વિવિધ મુદ્દત ધરાવતી એફડીમાં રોકાણ કરી તમારા રોકાણ પર આકર્ષક રિટર્ન મેળવી શકો છો.
બેન્ક એફડીના પ્રકારઃ
ટૂંકાગાળાની ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજનો દર નીચો હોય છે, જ્યારે લાંબાગાળાની એફડી પર ઉંચુ વ્યાજ મેળવી શકો છો. વધુમાં ઘણી બેન્કો મહત્તમ 10 વર્ષની મેચ્યોરિટી ધરાવતી એફડીનો વિકલ્પ આપી રહી છે. જેમાં ચક્રવૃદ્ધિ વ્યાજના કારણે તમારી મૂડી 100 ટકા સુધી વધી શકે છે. આ લાંબાગાળાની એફડી પર 7.18 ટકાથી 8 ટકા સુધીનું વ્યાજ ઓફર કરવામાં આવે છે.
કેવી રીતે મૂડી ડબલ થશે?
ઘણી બેન્કો 10 વર્ષની એફડી પર વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકા વ્યાજ ઓફર કરે છે. જેમાં જો રોકાણકારે 1 લાખનું રોકાણ કર્યું હોય તો 10 વર્ષના અંતે તેનું રોકાણ મૂલ્ય રૂ. 2.06 લાખ થશે. બીજી બાજુ જો સામાન્ય નાગરિકે રૂ. 1 લાખનું રોકાણ 7 ટકાના દરે કર્યું હોય તો તેમને 10 વર્ષના અંતે કુલ રૂ. 1.96 લાખ મળશે. બેન્ક એફડી પર 6.5 ટકાનો દર લાગૂ હોય તો પણ રોકાણકારને રૂ. 1 લાખના રોકાણ પર લગભગ બમણુ રૂ. 1.87 લાખનું કોર્પસ મળશે.
(નોંધઃ આ લેખ માત્ર માહિતી માટે છે. જે રોકાણ કરવાની સલાહ આપતો નથી. રોકાણ કરતાં પહેલાં તમારા ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.)