અરે આ તો ધાર્યા કરતાં ઈન્ટેલિજન્ટ નીકળી.

ભારતમાં જાતિ પ્રથા તથા ગાંધી -આંબેડકર વચ્ચેના મતભેદો બાબતે કડકડાટ બોલી.

સામાન્ય રીતે બોલીવૂડ કલાકારોનું સામાન્ય જ્ઞાન હાસ્યાસ્પદની કક્ષાએ હોવાનુ મનાતું હોય છે. પરંતુ, તાજેતરમાં જાહ્વવી કપૂરે એક ટીવી ઈન્ટરવ્યૂમાં જાતિ પ્રથા તથા ગાંધી અને આંબેડકરની વિચારધારા વિશે ઊંડાણપૂર્વક વાતો કરતાં નેટ યૂઝર્સ આભા બની ગયા હતા. જાહ્વવી કપૂર આટલી બૌદ્ધિક ચર્ચા કરી શકે તેવી ખરેખર અપેક્ષા ન હતી તેવી લોકોએ કબૂલાત કરી હતી. જાહ્વનીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઈતિહાસ તેનો માનીતો વિષય છે. તેને ચોક્કસ ક્યા  કાળખંડમાં રસ પડે છે તેમ પૂછાતાં તેણે કહ્યુ ંહતું કે પોતાને મહાત્મા ગાંધી અને ડો. બાબા સાહેબ આંબેડકર જાતિ વાદ વિશે ડિબેટ કરતા હોય તેના સાક્ષી બનવાનું ગમ્યું હોત. 

જાહ્વવીએ વધુ છણાવટ કરતાં કહ્યું હતું કે ડો. આંબેડકર પોતાના  અભિપ્રાયો વિશે શરુઆતથી જ એકદમ મક્કમ હતા જ્યારે મહાત્મા ગાંધીને જાતિ વાદ વિશે જેમ જેમ અનુભવો થતા ગયા તેમ તેમ તેમનું વલણ બદલાતુ ંગયું હતું. જાહ્વવીએ કહ્યું હતું જાતિવાદ એક એવી સમસ્યા છે કે જેને વાસ્તવમાં અનુભવવી અને તેના વિશે કોઈ ત્રાહિત વ્યક્તિ પાસેથી માહિતી મેળવવી તેમાં આભજમીનનો ફરક છે. જાહ્વવીએ જોકે સ્કૂલ ટાઈમમાં પોતે જાતિવાદ વિશે કોઈ ડિબેટ કર્યાનું નકાર્યું હતું. તેણે એમ પણ જણાવ્યું હતું કે તેના ઘરમાં પણ ક્યારેય કોઈની જાતિ વિશે કદાપિ ઉલ્લેખ થયો નથી. 

જાહ્વવીના જવાબોથી નેટ યૂઝર્સ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. સંખ્યાબંધ નેટયૂઝર્સ દ્વારા જણાવાયું હતું કે બોલીવૂડની મેઈન સ્ટ્રીમ એકટ્રેસમાં રાજકીય ઈતિહાસનું તથા જાતિવાદ જેવા જટિલ મુદ્દાનું આટલું જ્ઞાન ખરેખર આશ્ચર્ય જનક છે. જાહ્વવી ધાર્યા કરતાં ખરેખર વધુ ઈન્ટેજિલન્ટ હિરોઈન હોવાનું પુરવાર થયું છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં આલિાય ભટ્ટનાં જનરલ નોલેજની એકથી વધુ વાર હાંસી ઊડી ચુકી છે. બીજી તરફ હાલ લોકસભાની ચૂંટણી લડી રહેલી કંગના રણૌત પણ ઈતિહાસનાં જ્ઞાન બાબતે અવારનવાર ભાંગરા વાટી ચૂકી છે.