વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 113 એકરમાં પથરાયેલા 145 વર્ષ જૂના કમાટીબાગ ગાર્ડનનું 1.80 કરોડના ખર્ચે રીનોવેશનનું કામ છેલ્લા ઘણા વખતથી ચાલી રહ્યું છે. જેમાં નવા નવા આકર્ષણ ઊભા કરવામાં આવ્યા છે. હવે ટૂંક સમયમાં સાયન્સ પાર્કનું કામ પણ પૂર્ણ થઈ જશે તેમ જાણવા મળ્યું છે.
કમાટીબાગના પ્લેનેટેરીયમ થી કાલાઘોડા તરફ જતા એક નંબરના ગેટ પાસે સાયન્સ પાર્ક હાલ નવી સજાવટ પામી રહ્યો છે. સાયન્સ પાર્કમાં 12 નવા મોડ્યુલ મૂકવામાં આવ્યા છે, જ્યારે જૂના મોડ્યુલને અપગ્રેડ કરવાનું કામ ચાલી રહ્યું છે. જે નવા મોડ્યુલ છે તેમાં ગ્રાન્ટ ચેર, હ્યુમન સનડાયલ, ટાઈડલ પાવર પ્લાન્ટ, કાઇનેટિક એનર્જી એન્ડ પોટેસિયલ એનર્જી લિફ્ટ, સીસો પ્લેટ, સેન્ટર ઓફ ગ્રેવિટી, વર્ક એન્ડ એફર્ટ એટ ડિફરન્ટ એંગલ, ટગ ઓફ વોર, વિન્ડ કાઇનેટીક આર્ટ, સોલર એનર્જી, વિન્ડ ટર્બાઇન વગેરેનો સમાવેશ થાય છે. આ બધા મોડ્યુલના ઉપયોગ બાળકોની ઉંમર મુજબ કરવા વિભાજિત કરાયા છે. બાળકો કમાટી બાગમાં આવી સાયન્સ પાર્કમાં આ મોડ્યુલ નો ઉપયોગ કરતી વખતે જ્ઞાન સાથે ગમ્મત મેળવશે.