તમિલનાડુમાં ED અધિકારી 20 લાખની લાંચ લેતા ઝડપાયો

તમિલનાડુમાં એક સરકારી અધિકારી પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના એક વરિષ્ઠ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. આ અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે.

અધિકારીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા

તમિલનાડુના મદુરાઈમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો એક અધિકારી એક ડોક્ટર પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો હતો. ડિરેક્ટોરેટ ઓફ વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC)એ ડીંડીગુલ-મદુરાઈ હાઈવે પર આઠ કિલોમીટર સુધી કારનો પીછો કર્યા પછી ED અધિકારીની ધરપકડ કરી હતી. આ અધિકારીની ઓળખ અંકિત તિવારી તરીકે થઈ છે જેને DVAC ઓફિસમાંથી લઈ જઈને ડિંડીગુલમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 15 ડિસેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

અધિકારી ગુજરાત અને મધ્યપ્રદેશમાં કામ કરી ચૂક્યા છે

આ અધિકારીની ધરપકડ બાદ ડિંડીગુલમાં તેના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ કેસમાં મદુરાઈ અને ચેન્નઈના ઘણા ED અધિકારીઓ સામેલ છે. તિવારી ઘણા લોકો પાસેથી બ્લેકમેલ કરીને કરોડો રૂપિયાની ઉચાપત કરતો હતો. આ ઉપરાંત તેણે આ લાંચની રકમ EDના અન્ય અધિકારીઓમાં પણ વહેંચી દીધી હતી.  ઉલ્લેખનીય છે કે 2016 બેચના અધિકારી તિવારી અગાઉ ગુજરાત અને મધ્યપ્રદેશમાં કામ કરી ચૂક્યા છે અને હાલમાં તેઓ મદુરાઈમાં પોસ્ટેડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંકિત તિવારીની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, તે ED સાથે પાંચ વર્ષથી કરતા વધુ સમયથી કામ કરી રહ્યો છે. સેન્ટ્રલ એજન્સીમાં જોડાતા પહેલા, તેણે બિગ 4 એકાઉન્ટિંગ ફર્મ્સમાંની એકમાં કામ કર્યું હતું.