ભારતે 13 ‘મિત્ર’ દેશો સાથે મળી બનાવ્યો ‘ફૂલ પ્રૂફ પ્લાન’, વિશ્વસ્તરે કોઈ દેશ હવે ચીન પર નિર્ભર નહીં રહે

છેલ્લા ઘણાં સમયથી ચીનની આર્થિક સ્થિતિ સારી નથી. રિયલ એસ્ટેટથી માંડીને મેન્યુફેક્ચરિંગ સેક્ટર સુધી દરેક ક્ષેત્રોની હાલત દયનીય થઈ ચૂકી છે. માગ તળીયે પહોંચી ગઈ છે. અમેરિકા સાથેની ખેંચતાણ પણ વિદેશી કંપનીઓને ચીનથી હિજરત કરવા મજબૂર કરી રહી છે. એવામાં ભારત અને અમેરિકાએ ચીનનું કચ્ચરઘાણ કરી નાખવાની તૈયારી કરી લીધી છે.

શું છે પ્લાન?

ભારત ઇચ્છે છે કે વૈશ્વિક સ્તરે કોઈપણ દેશને ચીનની જરૂર ના પડે. દુનિયાના દેશોની ચીન પરથી નિર્ભરતા ઘટી જાય. તેના માટે ભારતે તેના 13 મિત્ર દેશો સાથે મળીને ફૂલપ્રૂફ પ્લાન ઘડી કાઢ્યો છે. ભારત, અમેરિકા અને ઈન્ડો-પેસિફિક ઈકોનોમિક ફ્રેમવર્ક (IPEF)ના 12 અન્ય સભ્યોએ ફ્લેક્સિબલ સપ્લાય ચેઈન તૈયાર કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

કરારનો ઉદ્દેશ્ય શું છે?

આ એગ્રિમેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ચીન પરથી નિર્ભરતા ઘટાડવાનો છે. તેની સાથે જ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રો અને કોર પ્રોડક્ટ્સના ઉત્પાદનને સભ્ય દેશોમાં ટ્રાન્સફર કરવાનો છે.

IPEFમાં કેટલાં અને કયાં ક્યાં સભ્યો છે?

IPEFમાં 14 સભ્યો છે જેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, જાપાન, ફિજી, દક્ષિણ કોરિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર અને થાઈલેન્ડ સામેલ છે. જેમનો ગ્લોબલ જીડીપીમાં 40 ટકાનો ફાળો છે અને સાથે જ વૈશ્વિક વેપારમાં આ દેશોની ભાગીદારી 28 ટકા છે. સમજૂતી પર બુધવારે સાન ફ્રાન્સિસ્કોમાં વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલે IPEF મંત્રી સ્તરની બેઠકમાં હસ્તાક્ષર કર્યા હતા.