ચીનમાં એક ઈમારતમાં લાગી ભીષણ આગ, 25 લોકોના મોત

ચીનમાં આજે ભયંકર દુર્ઘટના સર્જાઈ છે. ચીનના શાંક્સી પ્રાંતના લુલિયાંગમાં કોલસા કંપનીની બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી હતી. આ આગ એટલી ભયંકર હતી કે જેમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના સવારે લગભગ 6.50 વાગ્યે બની હતી. આ ઘટના બાદ અત્યાર સુધીમાં 63 લોકોને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 51 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના સ્થળની નજીક બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.

ચીનના ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટના

ચીનમાં અવારનવાર આગની ઘટનાઓ બાદ સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે દેશવ્યાપી અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે એપ્રિલ મહિનામાં બેઇજિંગની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં 29 લોકોના મોત થયા હતા. ચીનના ઈતિહાસની સૌથી મોટી દુર્ઘટના 2015માં ચીનના તિયાનજિનમાં થઈ હતી, જ્યારે કેમિકલ વેરહાઉસમાં વિસ્ફોટને કારણે 165 લોકોના મોત થયા હતા.