ઇઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ અટકવાનું નામ જ નથી લઇ રહ્યું. ઈઝરાયેલી સેના ગાઝામાં ઘુસીને આંતકવાદીઓને ઠાર કરવામાં લાગેલી છે. ઉત્તર ગાઝાની હાલત લગભગ તબાહ થઇ ગઈ છે. એવામાં હવે ઈઝરાયેલી સેના દ્વારા ત્યાંની સૌથી મોટી હોસ્પિટલ અલ શિફાની તપાસ કરી રહી છે.

ઇઝરાયેલી સેના હોસ્પિટલ પર બુલડોઝરની કાર્યવાહી

અલ શિફા હોસ્પિટલની તપાસ દરમિયાન ઈઝરાયેલની સેનાને ત્યાંથી અનેક દારૂગોળાઓ મળ્યા. હવે, મોટી માત્રામાં શસ્ત્રો મળ્યા બાદ, ઇઝરાયેલી સેના હોસ્પિટલ પર બુલડોઝરની કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. સેનાનું કહેવું છે કે હમાસે આ હોસ્પિટલની નીચે એક ટનલ બનાવી છે.

અલ શિફા હોસ્પિટલને હમાસે કમાન્ડ સેન્ટર બનાવ્યાનો દાવો

ઇઝરાયેલનો આરોપ છે કે હમાસે તેનું કમાન્ડ સેન્ટર અલ શિફા હોસ્પિટલની નીચે બનાવ્યું છે. અમેરિકાએ પણ આ દાવાને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે, તેની ગુપ્તચર એજન્સીએ પણ આ અંગે અપડેટ આપ્યું છે. જોકે હમાસ આ વાતને તદ્દન નકારી દીધી છે. બીજી તરફ પેલેસ્ટાઈનનો આરોપ છે કે ઈઝરાયેલની સેનાએ હોસ્પિટલની આસપાસ બુલડોઝર તૈનાત કર્યા છે, જે એકદમ ખતરનાક છે.UN અનુસાર, હોસ્પિટલની અંદર હજુ પણ ઓછામાં ઓછા 2300 દર્દીઓ, કર્મચારીઓ અને વિસ્થાપિત નાગરિકો છે, જેમાં ઘણા નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે.

ઇઝરાયેલ હમાસ યુદ્ધનો 40મો દિવસ

આજે ઇઝરાયેલ હમાસ યુદ્ધનો 40મો દિવસ છે. ગાઝામાં ઈઝરાયેલી સેના અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ગાઝામાં ઇઝરાયેલના હુમલાને કારણે 11,240 લોકોના મોત થયા છે. જેમાં 4630 બાળકોનો સમાવેશ થાય છે. તેમજ ગાઝામાં અત્યાર સુધીમાં 23 લાખ લોકોએ પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ જવું પડ્યું છે અને ગાઝાના મોટા ભાગના વિસ્તારોને ઈઝરાયેલી સેનાએ પોતાના નિયંત્રણમાં લઈ લીધા છે ત્યારે હવે ઈઝરાયેલના સૈનિકો ગાઝામાં હમાસની સંસદમાં પહોંચી ગયા છે. ઈઝરાયેલની સૈનિકોએ એક ફોટો શેર કર્યો છે, જેમાં તેઓ હમાસની સંસદમાં પોતાનો ધ્વજ લહેરાવતા જોવા મળી રહ્યા છે.