સરકારી પ્લોટ પર સાંઇડ્રીમ એપાર્ટેમેન્ટ ઊભું કરી દેવાયું

વડોદરા, તા.13  ટીડીઓના પીએ યોગેશ પરમારની રૃા.૧.૫૦ લાખની લાંચના કેસમાં જે મિલકત નિમિત્ત બની છે તે સાંઇડ્રીમ એપાર્ટમેન્ટ સરકારી પ્લોટ પર બાંધવામાં આવ્યો હોવાની વિગતો એસીબીની પ્રાથમિક તપાસમાં બહાર આવતા તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૃ થયો છે.xએસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરા શહેરના સવાદ વિસ્તાર તરીકે રેવન્યૂ રેકર્ડમાં આળખાતો આ પ્લોટ સરકારી પ્લોટ છે અને તેના પર બિલ્ડર દ્વારા સાંઇડ્રીમ એપાર્ટમેન્ટ બનાવી દેવાયું હતું. સરકારી પ્લોટ પર બાંધકામ માટેની પરવાનગી મળી હોવા અંગેની ફરિયાદો વકીલ દ્વારા કોર્પોરેશનમાં કરવામાં આવતી  હતી પરંતુ કોર્પોરેશન દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નહી હોવાથી આખરે મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરવામાં આવી હતી.

કમિશનરના ધ્યાનમાં આ વિગત આવતાં જ તેમણે સાંઇડ્રીમ એપાર્ટમેન્ટનું વીજજોડાણ કાપી નાંખવા માટેનો હુકમ કર્યો હતો પરંતુ કોર્પોરેશનના અન્ય અધિકારીઓ તેનો અમલ કરવા દેતા ન હતા અને આખો એપાર્ટમેન્ટ બંધાઇ ગયો  હતો. એસીબીએ જણાવ્યું હતું કે સરકારી પ્લોટ પર બાંધકામની પરમિશન કોણે આપી અને તેમાં કોની કોની ભૂમિકા હતી તે અંગેની સમગ્ર વિગતો મેળવવામાં આવશે.