ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજે ODI World Cup 2023ની 17મી મેચ રમાશે. આ બંને ટીમોએ ODI World Cup 2023માં અત્યાર સુધી 3-3 મેચ રમી છે. ભારતે તેની ત્રણેય મેચમાં જીત મેળવી છે જયારે બાંગ્લાદેશને માત્ર એક મેચમાં જીત મળી છે. ભારત-બાંગ્લાદેશ વચ્ચેની આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બપોરે 2:00 વાગ્યે રમાશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધી રમાયેલી વનડે મેચોમાં ભારતનું પલડું ભારે રહ્યું છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા વચ્ચે એક ગજબ સંયોગ જોવા મળ્યો છે.

રોહિત અને ધોની વચ્ચે બન્યો ગજબ સંયોગ

રોહિત શર્મા જ્યારથી ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યો છે ત્યારથી તેણે ભારતીય ટીમને તમામ મજબૂત ટીમો સામે જીત અપાવી છે, પરંતુ બાંગ્લાદેશની ટીમ સામે અત્યાર સુધી તે ભારતને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો છે. રોહિતના કેપ્ટન બન્યા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કુલ 3 વનડે મેચ રમાઈ છે. આ ત્રણેય મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો છે. કંઇક આવો જ રેકોર્ડ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નામે પણ હતો જેણે ટીમ ઇન્ડિયાને ODI World Cup 2011 જીતાવ્યો હતો.  

ODI World Cup 2011માં ભારતે બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું

ભારતે એમ.એસ ધોનીની કેપ્ટનશીપમાં ODI World Cup 2011ની ઓપનિંગ મેચમાં બાંગ્લાદેશને 87 રનથી હરાવ્યું હતું. તે મેચમાં વીરેન્દ્ર સેહવાગે શાનદાર 175 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વિરાટ કોહલીએ 83 બોલમાં સદી ફટકારી હતી. સેહવાગ અને કોહલીની સદીની મદદથી ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવી 370 રન બનાવ્યા હતા. આ મેચમાં વીરેન્દ્ર સેહવાગને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો.