ઈઝરાયલે યુદ્ધમાં રાસાયણિક હથિયારો વાપર્યા

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ (Israel vs Hamas War) હવે એવા તબક્કામાં પ્રવેશી ગયું છે કે તેનો અંત ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ (Benjamin Netantyhu) એ તો પૃથ્વી પરથી હમાસનું અસ્તિત્વ જ ભૂસી નાખવાના સોગંદ લઈ લીધા છે ત્યાં ઈઝરાયલ દ્વારા ગાઝા પટ્ટીમાં નિરંતર હુમલા કરવામાં આવી રહ્યા છે.

4 લાખથી વધુ લોકો બેઘર 

હમાસનો ઈઝરાયલ પર હુમલો ભારે પડી રહ્યો છે. ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી બોમ્બમારા વચ્ચે અત્યાર સુધી ત્યાંથી 4 લાખ લોકો સ્થળાંતર કરવા મજબૂર થયા છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે ગાઝા પટ્ટીમાં 423000 થી વધુ લોકો હવે પોતાના ઘર છોડવા મજબૂર છે કેમ કે પેલેસ્ટાઈનમાં ઈઝરાયલબ બેફામ બોમ્બમારો કરી રહ્યું છે. ગાઝામાં વિસ્થાપિતોની સંખ્યા 84,444 જેટલી વધી જતાં હવે 423,378 પર પહોંચી ગઈ છે. 

હ્યુમન રાઈટ્સ વોચે ઈઝરાયલ પર લગાવ્યાં ગંભીર આરોપ 

જ્યારે હ્યુમન રાઈટ્સ વોચે ઈઝરાયલ સામે ગાઝા અને લેબેનોનમાં તેના સૈન્ય અભિયાન દરમિયાન સફેદ ફોસ્ફરસ હથિયારોનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે આવા હથિયારોના ઉપયોગથી નાગરિકોને ગંભીર અને લાંબા ગાળાની ઈજાઓ પહોંચવાનો ખતરો વધી ગયો છે. જોકે ઈઝરાયલી સૈન્યએ ગાઝામાં આવા કેમિકેલ વેપન્સ (રાસાયણિક હથિયારો) (Chemical Weapons)વાપરવાના અહેવાલો નકારી કાઢ્યા છે. 

તોપખાનાથી સફેદ ફોસ્ફરસનો બોમ્બમારો 

જોકે હ્યુમન રાઇટ્સ વોચે કહ્યું કે તેણે 10 ઓક્ટોબરે લેબેનોન અને 11 ઓક્ટોબરે ગાઝામાં લેવાયેલા વીડિયોને વેરિફાઈ કર્યા છે જેમાં ગાઝા સિટી પોર્ટ અને ઈઝરાયલ-લેબેનોનની સરહદ સાથે બે ગ્રામીણ સ્થળોએ તોપખાનાથી ઝિંકાયેલા સફેદ ફોસ્ફરસના અનેક હવાઈ વિસ્ફોટ દેખાયા હતા. સફેદ ફોસ્ફરસનો ઉપયોગ કાયદાકીય રીતે યુદ્ધના મેદાનોમાં સ્મોક સ્ક્રિન બનાવવા, રોશની પેદા કરવા, લક્ષ્યોને ટારગેટ કરવા કે બંકરો અને ઈમારતોને સળગાવવા માટે કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય સંમેલન હેઠળ સફેદ ફોસ્ફરસને રાસાયણિક હથિયાર તરીકે પ્રતિબંધિત નથી કરાયો પણ તે ગંભીર બળતરાં પેદા કરી શકે છે. તેને એક આગ લગાવવાના હથિયાર તરીકે મનાય છે.