મોહનદાસ કરમચંદ ગાંધી

મોહનદાસ કરમચંદ ગાંધી (ઓક્ટોબર ૨, ૧૮૬૯ – જાન્યુઆરી ૩૦, ૧૯૪૮) એક ભારતીય વકીલ, સંસ્થાનવાદ-વિરોધી રાષ્ટ્રવાદી અને રાજકીય નીતિશાસ્ત્રી હતા, જેમણે અંગ્રેજ શાસનમાંથી ભારતની સ્વતંત્રતા માટેની સફળ ઝુંબેશનું નેતૃત્વ કરવા માટે અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો. તેમણે સમગ્ર વિશ્વમાં નાગરિક અધિકારો અને સ્વતંત્રતા માટેની ચળવળોને પ્રેરણા આપી હતી. ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ તેમના માટે માનવાચક શબ્દ મહાત્મા (સંસ્કૃત ‘મહાન-આત્માવાળા, આદરણીય’ માંથી) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે હવે સમગ્ર વિશ્વમાં ઉપયોગમાં લેવાય છે.

તટવર્તી ગુજરાતના એક હિન્દુ પરિવારમાં જન્મેલા અને ઉછરેલા ગાંધીજીએ લંડનના ઇનર ટેમ્પલમાં કાયદાની તાલીમ લીધી હતી અને જૂન ૧૮૯૧માં ૨૨ વર્ષની વયે તેઓ બારિસ્ટર તરીકે નિયુક્ત થયા હતા. ભારતમાં કારકિર્દીની શરૂઆતના બે વર્ષો દરમિયાન તેઓ કાયદાની સફળ પ્રેક્ટિસ શરૂ કરી શક્યા ન હતા, તેઓ ૧૮૯૩માં એક મુકદ્દમામાં ભારતીય વેપારીનું પ્રતિનિધિત્વ કરવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા. તેઓ ૨૧ વર્ષ સુધી દક્ષિણ આફ્રિકામાં રહ્યા. અહીં તેમણે પોતાના પરિવારનું પાલનપોષણ કર્યું હતું અને નાગરિક અધિકારો માટેની ઝુંબેશમાં સૌ પ્રથમ અહિંસક પ્રતિકારનો ઉપયોગ કર્યો હતો. ૧૯૧૫માં, ૪૫ વર્ષની વયે, તેઓ ભારત પાછા ફર્યા અને ટૂંક સમયમાં જ ખેડૂતો, ખેતમજૂરો અને શહેરી મજૂરોને વધુ પડતા જમીન-વેરા અને ભેદભાવ સામે વિરોધ કરવા સંગઠિત કરવાનું શરૂ કર્યું.

૧૯૨૧માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું નેતૃત્વ સંભાળીને ગાંધીજીએ ગરીબી હળવી કરવા, મહિલાઓના અધિકારોનું વિસ્તરણ કરવા, ધાર્મિક અને વંશીય સૌહાર્દનું નિર્માણ કરવા, અસ્પૃશ્યતાનો અંત લાવવા અને સૌથી વધુ તો સ્વરાજ કે સ્વશાસન હાંસલ કરવા રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવી હતી. ગાંધીજીએ હાથેથી કાંતેલા સૂતરથી વણાયેલી ટૂંકી ધોતીને ભારતના ગ્રામીણ ગરીબો સાથેની ઓળખના પ્રતીક રૂપે અપનાવી હતી. તેમણે આત્મનિર્ભર રહેણાંક સમુદાયમાં રહેવાનું શરૂ કર્યું, સાદું ભોજન લેવાનું શરૂ કર્યું, અને આત્મનિરીક્ષણ અને રાજકીય વિરોધ બંનેના સાધન તરીકે લાંબા ઉપવાસ કરવાનું શરૂ કર્યું. સંસ્થાનવાદ-વિરોધી રાષ્ટ્રવાદને સામાન્ય ભારતીયો સુધી પહોંચાડવામાં સફળ રહેલા ગાંધીજીએ ૧૯૩૦માં ૪૦૦ કિમી (૨૫૦ માઇલ)ની દાંડી કૂચના માધ્યમથી બ્રિટીશરો દ્વારા લાદવામાં આવેલા મીઠાના કરને પડકારવામાં અને ૧૯૪૨માં અંગ્રેજોને ભારત છોડવાની હાકલ કરીને તેમની આગેવાની લીધી હતી. તેઓ ઘણી વાર દક્ષિણ આફ્રિકા તેમ જ હિંદમાં ઘણાં વરસો સુધી જેલમાં રહ્યા હતા.

ધાર્મિક બહુલવાદ પર આધારિત સ્વતંત્ર ભારતની ગાંધીજીની કલ્પનાને ૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં એક મુસ્લિમ રાષ્ટ્રવાદ દ્વારા પડકારવામાં આવી હતી, જેણે બ્રિટિશ ભારતની અંદર મુસ્લિમો માટે એક અલગ માતૃભૂમિની માગણી કરી હતી. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭માં હિંદુસ્તાનને બ્રિટન દ્વારા સ્વતંત્રતા મળી, પરંતુ બ્રિટિશ ભારતીય સામ્રાજ્ય હિંદુ બહુમતી ધરાવતા ભારત અને મુસ્લિમ બહુમતી ધરાવતા પાકિસ્તાનમાં વહેંચાઈ ગયું હતું. ઘણા વિસ્થાપિત હિન્દુઓ, મુસ્લિમો અને શીખો તેમના નવા પ્રદેશો તરફ પ્રયાણ કરી રહ્યા હતા, ખાસ કરીને પંજાબ અને બંગાળમાં ધાર્મિક હિંસા ફાટી નીકળી હતી. સ્વતંત્રતાની સત્તાવાર ઉજવણીથી દૂર રહીને, ગાંધીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી, અને મુશ્કેલીને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. તે પછીના મહિનાઓમાં, તેમણે ધાર્મિક હિંસાને રોકવા માટે અનેક ભૂખ હડતાલ કરી. આમાંની છેલ્લી શરૂઆત ૧૨ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ દિલ્હીમાં થઈ હતી જ્યારે તેઓ ૭૮ વર્ષના હતા. ગાંધી પાકિસ્તાન અને ભારતીય મુસ્લિમો બંનેના બચાવમાં ખૂબ જ મક્કમ હતા તેવી માન્યતા ભારતના કેટલાક હિન્દુઓમાં ફેલાઈ હતી. આમાં પશ્ચિમ ભારતના પૂણેના એક આતંકવાદી હિન્દુ રાષ્ટ્રવાદી નથુરામ ગોડસેનો પણ સમાવેશ થાય છે, જેમણે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ દિલ્હીમાં એક આંતરધર્મીય પ્રાર્થના સભામાં ગાંધીજીની છાતીમાં ત્રણ ગોળીઓ ચલાવીને ગાંધીજીની હત્યા કરી હતી. ગાંધીજીના જન્મદિવસ, ૨ ઓક્ટોબરને, ભારતમાં ગાંધી જયંતી તરીકે ઉજવવામાં આવે છે, જે રાષ્ટ્રીય રજા છે, અને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગાંધીજીને સંસ્થાનવાદ પછીના ભારતમાં રાષ્ટ્રપિતા માનવામાં આવે છે. ભારતની રાષ્ટ્રવાદી ચળવળ દરમિયાન અને તે પછીના તરતના કેટલાક દાયકાઓમાં, તેમને સામાન્ય રીતે બાપુ (“પિતા” માટેનો ગુજરાતી પર્યાય) તરીકે પણ ઓળખવામાં આવતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *