અમદાવાદમાં નારોલ અને એસજી હાઈવે પરથી ક્રાઈમ બ્રાંચે 1.20 કરોડનું એક કિલો જેટલું ડ્રગ્સ ઝડપ્યું

શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મહિનામાં અલગ અલગ જગ્યાએ અડધો ડઝનથી વધુ કેસ કરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરાયું છે. ડ્રગ્સના દૂષણના રેકેટ માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં આજે એક કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત એક કરોડથી વધુ થાય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરેલા કેસમાં સ્થાનિક અને અન્ય રાજ્યના કનેક્શનની કડી ટૂંક સમયમાં સામે આવશે તેની સાથે અલગ અલગ કેસ દરમિયાન સ્થાનિક રીસીવર અને ડ્રગ્સના પેડલરનું આખું નેટવર્ક હોવાની કડી પણ થાય તેવા પુરાવાના આધારે તપાસ ચાલી રહી છે.આગામી દિવસોમાં રાજ્યભરમાં ડ્રગ્સના નેટવર્ક બાબતે આવનાર સમયમાં સઘન ઝુંબેશ ચલાવી કડક પગલાં લેવામાં આવશે. અને ડ્રગ્સ નેટવર્કને તોડી પાડવા માટે પણ ક્રાઇમ બ્રાન્ચમાં ખાસ ટીમો તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા છેલ્લા એક મહિનામાં એમડી ડ્રગ્સ, કોકેઈન ગાંજો, નશીલી કફ સિરપ જેવા પદાર્થોનો કુલ બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ટાઈગર ઘાંચીને 521.800 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો

પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રાઈમ બ્રાંચે નારોલ બ્રિજ પાસે આવેલી શિમલા હોટેલમાંથી તૌફિક ઉર્ફે ટાઈગર ઘાંચીને 521.800 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. ટાઈગર ઘણા સમયથી ઉદયપુરથી આરિફ પઠાણ નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મંગાવી અમદાવાદમાં સપ્લાય કરતો હતો. આરીફ અમદાવાદના તૌફિક તથા અન્ય ડ્રગ્સ ડિલરો પાસેથી જ્યારે પણ ડ્રગ્સનો ઓર્ડર મળે ત્યારે તેના ડ્રગ્સ પેડલર સુહેલ અસરફ મંસુરીને ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ મોકલી આપતો હતો. તે અમદાવાદ આવીને હોટેલમાં ચાર પાંચ દિવસ રોકાતો હતો અને આરિફના જણાવ્યા પ્રમાણે અલગ અલગ ડ્રગ્સ ડિલરોને ડ્રગ્સ આપતો હતો. આ ડ્રગ્સના પૈસા તે ઓનલાઈન અથવા તો મની ટ્રાન્સફરથી મેળવતો હતો.દરમ્યાન ગઈ કાલના રોજ આરોપી સુહેલઅસરફ મંસુરી પાસેથી આરોપી તૌફિક ઉર્ફે ટાઇગર ફરીથી ડ્રગ્સનો જથ્થો લેવા આવતા પકડાઈ ગયો હતો. તેની પાસેથી 52.18 લાખનું ડ્રગ્સ કબજે કરાયું હતું. આરોપી તૌફિક અગાઉ મારામારીના ગુનામાં પણ પકડાયો હતો. 

કુલ બે કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો

તે ઉપરાંત ક્રાઈમ બ્રાંચે જાકીરહુસૈન શેખને 594.800 ગ્રામના 59.48 લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે છારોડી પાટીયા પાસેથી ઝડપી લીધો હતો. આરોપી જાકિરે ક્રાઈમ બ્રાંચની પુછપરછમાં જણાવ્યું હતું કે, તે તથા તેનો ભાઈ અનવરહુસૈન છ મહિનાથી પાલનપુરના કણોદરથી મનુભાઈ નામની વ્યક્તિ પાસેથી ડ્રગ્સ ખરીદીને અમદાવાદમાં જુદા જુદા પેડલરોને આપીને ધંધો કરતા હતાં. રિક્ષામાં દર ત્રણ દિવસે પાલનપુરથી ડ્રગ્સનો જથ્થો મંગાવતા હતાં. આ જથ્થો આરીપી અનવરહુસેન પોતાના ઘરમાં સંતાડી રાખતો હતો અને નાની નાની પડીકી બનાવીને વેચતો હતો. આરોપીનો ભાઈ અનવર હુસૈન રાજસ્થાનમાં જેલમાં હતો ત્યારે મનુભાઈ સાથે મુલાકાત થઈ હતી અને ત્યાં જ બંને જણાએ ડ્રગ્સનો ધંધો કરવાનું નક્કી કર્યું હતું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *