મુંબઇ મહાનગર પાલિકાએ કોરાના કાળમાં ખરીદી કરેલ બોડીબેગ ખરીદીમાં થયેલ કથિત ગોટાળા પ્રકરણે આજે લગભગ બે કલાક સુધી પોલીસે મુંબઇના માજી મેયર કિશોરી પેડણેકરની પૂછપરછ કરી હતી. કિશોરી પેડણેકરના બેંક ખાતાની તપાસ પણ આર્થિક ગુના શાખા તરફથી થાય તેવી શક્યતા છે. 

કિશોર પેડણેકર પોલીસ તપાસમાં સહકાર આપતા હોવાથી આગામી સુનાવણીમાં શનિવાર તા. ૧૬ સપ્ટેમ્બરના તેમને જરૃરી કાગળીયાઓ સાથે હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે તેવી માહિતી સૂત્રોએ આપી હતી. 

કોરોનાકાળમાં ડેડબોડી બેગ ખરીદી પ્રકરણે થયેલ ગોટાળા બાબતે પેડણેકરની આજે બીજીવાર પૂછપરછ કરવામાં આવી હતી. કોરોનાકાળમાં મૃત્યુને ભેટેલા લોકોના મૃતદેહના નિકાલ માટે બોડીબેગ ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ખરીદીમાં મોટાપાયે ગોટાળો થયો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. મુંબઇ મહાનગર પાલિકાએ  બજાર ભાવ કરતા ખૂબ જ ઉંચા દરે બોડી બેગ ખરીદી કરી હોવાનો આરોપ છે.

આ પ્રકરણે પોલીસે મુંબઇ મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે જ હવે તત્કાલીન મેયર કિશોરી પેડણેકર સામે પણ ગોટાળા પ્રકરણે કાર્યવાહી આદરી છે. કિશોરી પેડણેકરને ૧૧,૧૩ અને ૧૬ સપ્ટેમ્બરના પૂછપરછ માટે હાજર  રહેવાનો નિર્દેશ કોર્ટે કર્યો હતો. મુંબઇ પોલીસ કમિશનરેટ હેઠળ આર્થિક ગુના શાખાની ઓફિસમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કોર્ટે પેડણેકરને ધરપકડથી રાહત આપવાની સાથે જ મુંબઇ પોલીસની તપાસ અને પૂછપરછમાં સહકાર આપવાનો નિર્દેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *