દિલ્હી એરપોર્ટ પર દિલ્હી-પુણે વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા અફરાતફરી સર્જાઈ હતી… ત્યારબાદ તમામ મુસાફરોને તેમના સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. જીએમઆર કોલ સેન્ટરને ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ મળ્યો હતો. આ કોલ મળતાં જ તુરંત એરપોર્ટ પર આઈસોલેશન 2 ખાતે વિમાનની તપાસ કરવામાં આવી હતી.  તમામ મુસાફરો અને વિમાનની સંપૂર્ણ તપાસ કરાયા બાદ કોઈપણ શંકાસ્પદ વસ્તુઓ ન મળતા એરપોર્ટ મેનેજમેન્ટે હાંશકારો અનુભવ્યો છે. CISF અને દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.

અગાઉ ફ્લાઈટમાં દાઝી ગઈ હતી બાળકી

અગાઉ દિલ્હીથી જર્મનીના ફ્રેન્કફર્ટ જતી ફ્લાઈટમાં ગરમ પીણું પડતાં એક છોકરી દાઝી ગઈ હતી. જે અંગે વિસ્તારા એરલાઈન્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે, આ ઘટના 11 ઓગસ્ટે ફ્લાઈટ UK 25માં બની હતી. વિસ્તારાએ જણાવ્યું હતું કે, દિલ્હી-ફ્રેન્કફર્ટ ફ્લાઈટમાં 10 વર્ષની બાળકી પર ગરમ પીણું પડતા ઈજાગ્રસ્ત થઈ હતી. કંપનીએ નિર્ણય કર્યો હતો કે, છોકરીની સારવારનો સંપૂર્ણ ખર્ચ વિસ્તારા ઉઠાવશે.

બાળકીને તુરંત એમ્બ્યુલન્સથી હોસ્પિટલ મોકલાઈ હતી

મળતી માહિતી મુજબ લગભગ 10 વર્ષની એક બાળકી તેના માતા-પિતા સાથે મુસાફરી કરી રહી હતી. કંપનીએ કહ્યું કે, અમારા કેબિન ક્રૂએ માતા-પિતાને વિનંતી કર્યા બાદ બાળકીને ચોકલેટ આપી હતી. આ દરમિયાન, બાળકી પર ગરમ પાણી પડ્યું. ત્યારબાદ અમારા ક્રૂએ ઝડપી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરીને બાળકીને તેના માતા-પિતા સાથે હોસ્પિટલ મોકલવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *