પાકિસ્તાનમાં કુરાનના અપમાનના આરોપ વચ્ચે હિંસક ભીડે 5 ચર્ચમાં કરી તોડફોડ

પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર કોઈ નવી વાત નથી. પાકિસ્તાનમાં પણ ઈશનિંદાના કિસ્સાઓ આવતા રહે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફૈઝલાબાદમાં પાંચ ચર્ચમાં તોડફોડ કરવામાં આવી હતી, જેના પગલે સરકારે કાર્યવાહી કરી હતી અને હિંસામાં સામેલ 100 લોકોની ધરપકડ કરી હતી. કુરાનનું અપમાન કરવાના આરોપમાં લોકો હિંસક બન્યા અને તેમણે પાંચ ચર્ચને તોડી પાડ્યા હતા.

કેબિનેટ મંત્રીએ શું કહ્યું

પાકિસ્તાની મીડિયા અનુસાર હિંસક ટોળાએ ચર્ચની નજીક રહેતા લોકોના ઘરોને પણ સળગાવી દીધા હતા. તેઓએ રહેવાસીઓને માર માર્યો અને લૂંટ પણ કરી. આ દરમિયાન સ્થળ પર ઉભી પોલીસ માત્ર દર્શક બની રહી ગઈ હતી. પંજાબ સરકારના વચગાળાના માહિતી મંત્રી અમીર મીરે કહ્યું કે અમે ઘટનાની તપાસ માટે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. શાંતિ ભંગ કરનારા લોકોની અટકાયત કરવામાં આવી છે. 

ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવ્યું 

મંત્રીનું કહેવું છે કે આ ઘટના એક સુનિયોજિત કાવતરું છે. લોક લાગણી ભડકાવીને શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. હાલમાં ફૈસલાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં પાકિસ્તાની રેન્જર્સના જવાનો તૈનાત છે. સ્થિતિ નિયંત્રણમાં છે. મીરે કહ્યું કે કુરાનના અપમાનની ઘટનાઓ વધી રહી છે. કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે.

બિશપે ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું

અહેવાલ અનુસાર, ઘટનાસ્થળે 6000થી વધુ સુરક્ષા દળો તૈનાત છે. ખ્રિસ્તી નેતાઓનો આરોપ છે કે સમગ્ર ઘટના દરમિયાન પોલીસ માત્ર દર્શક બની રહી હતી. ચર્ચ ઓફ પાકિસ્તાનના પ્રમુખ બિશપ આઝાદ માર્શલે કહ્યું કે ખ્રિસ્તીઓ ઉત્પીડન કરી તેમના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. બિશપે ટ્વિટ કર્યું કે અમે આ ઘટનાથી ખૂબ જ દુઃખી છીએ. બાઇબલનું અપમાન થઈ રહ્યું છે. ચર્ચોને બાળવામાં આવી રહ્યા છે. ખ્રિસ્તીઓ પર કુરાનના અપમાનનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. તેમને હેરાન કરવામાં આવ્યા છે. અમે ન્યાય માટે પ્રાર્થના કરીએ છીએ.

અમેરિકાએ આપી પ્રતિક્રિયા 

અમેરિકાએ ચર્ચો પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે ખ્રિસ્તીઓના ઘરો પર કરાયેલા હુમલાઓની તપાસ કરવામાં આવે. વિદેશ વિભાગના પ્રવક્તા વેદાંત પટેલે કહ્યું કે અમને એ વાતની ચિંતા છે કે પાકિસ્તાનમાં કુરાન શરીફના અપમાનના અહેવાલો વચ્ચે ચર્ચને નિશાન બનાવાયા. અમેરિકા સ્વતંત્ર અભિવ્યક્તિનું સમર્થન કરે છે.  હિંસા કે હિંસાની ધમકી સ્વીકાર્ય નથી. અમે આ મામલે તપાસ કરવા અને શાંતિ જાળવવાની અપીલ કરીએ છીએ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *