અમદાવાદમાં પણ કાયદો વ્યવસ્થા સામે પડકારો ઊભા કરતો મામલો સામે આવ્યો છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. એક યુવક મણિનગરમાં એલ.જી.હોસ્પિટલની નજીકમાં આવેલા એક જ્વેલર્સને ત્યાં લૂંટ ચલાવવા પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે બંદૂકની અણીએ ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ ક્લિક થઈ હતી. જોકે ઘટના બાદ જ્યારે ચોર નાસી રહ્યો હતો ત્યારે લોકોની ભીડ તેની પાછળ પડી ગઈ હતી. તે સમયે જ તેણે ફાયરિંગ કર્યું હતું. પોલીસે આ મામલે ચોરી કરવા આવેલા અને સામાન્ય નાગરિકોની ભીડ પર ગોળી ચલાવનારા યુવકની ધરપકડ કરી લીધી છે. 

આ યુવક પોતે આર્મી મેન હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. તે જયપુરનો રહેવાશી છે. તે છેલ્લાં પાંચ વર્ષથી આર્મીમાં ફરજ પર તહેનાત હતો. તે હાલમાં જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ પર હોવાનું બહાર આવ્યું છે. તેને લોકોની ભીડે પકડી પાડ્યો હતો. ત્યારબાદ પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસના જણાવ્યાનુસાર આ યુવકનું નામ લોકેન્દ્ર શેખાવત છે. તેણે કહ્યું કે વધારે પડતું દેવું થઈ જવાને લીધે તેણે આ લૂંટનો પ્લાન ઘડ્યો હતો. તે ગઈકાલે સાંજે જયપુરથી ટ્રેનમાં બેસી અમદાવાદ આવ્યો હતો. અમદાવાદનાં ખોખરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયો હતો. દિવસ ભર ફર્યા બાદ મોડી સાંજે તેણે આ બનાવને અંજામ આપ્યો હતો. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *