૧લી મે ૧૯૬૦ના રોજ મુંબઇના દ્વિભાષી રાજ્યમાંથી ગુજરાત અલગ રાજ્ય થયું હતું. તે વખતે રાજધાની અમદાવાદમાં હતી. ત્યારે અમદાવાદથી દુર અલગ વહિવટીય માહોલમાં પોતીકુ પાટનગર વિકસાવવા માટે મંત્રી મંડળે નિર્ણય કર્યો હતો. જેને લઇને વિવિધ સ્થળો અને દિશાઓ તરફ તજજ્ઞો દ્વારા દ્રષ્ટી દોડાવાનું શરૃ કર્યું હતું. અંતે ઓછી જમીન સંપાદન કરવી પડે, સાબરમતી નદીનો કિનારો હોય, દરિયાઇ સપાટીથી અન્ય વિસ્તારો કરતાં ઊંચાઇએ હોય અને રળીયામણું નગર આકાર લઇ શકે તેવા ખ્યાલ સાથે અમદાવાદથી ૩૨ કિલોમીટરના અંતે આવેલા સાબમરતી નદીના રેતાળ પ્રદેશની નજીક જગ્યા પસંદ કરવામાં આવી હતી. અહીં બાર ગામોની જમીન અંશતઃ જમીન સંપાદન કરવાનું નક્કી થયું અને સાત ગામોની સંપૂર્ણ જમીન ગાંધીનગર શહેરમાં વિલીનીકરણ કરવામાં આવી. આમ પેથાપુરના પડખામાં અને વાવોલની સીમમાં બોરીજ અને ઇન્દ્રોડા જેવા મોટા ગામોની જમીન ઉપર આ પાટનગર બેઠું થયું છે. 

કર્મચારીઓ અહીં કરોડના આસામી બની ગયા

ગાંધીનગરમાં પેથાપુરની ૧,૬૯૫ એકર, વાવોલની  ૨,૧૧૮ એકર, ઇન્દ્રોડાની ૧,૫૩૦ એકર , બોરીજની ૧,૬૬૧ એકર, આદીવાડાની ૮૧૦ એકર, સરગાસણની ૪૩૫ એકર, ધોળાકુવાની ૫૧૬ એકર, કોલવડાની ૩૧૧ એકર, લેકાવાડાની ૨૮૩ એકર, પાલજની ૩૮૦ એકર, બાસણની ૪૯૫ એકર અને શાહપુરની ૩૪૦ એકર મળી કુલ ૧૦,૫૫૪ એકર જમીન સંપાદન કરવામાં આવી હતી. આ ઉપરાંત સરકારી ખરાબા અને ગાચરની જમીન મળી કુલ ૧૪ હજાર એકર જમીનમાં ૫૬.૭૫ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ગાંધીજીના નામે ગાંધીનગર આકાર પામ્યું હતું.એટલું જ નહીં વર્ષ ૧૯૯૧માં જુલાઇ અને ઓગસ્ટ માસમાં ગાંધીનગરના વધુ વિકાસની જરૃરીયાત ઉભી થતાં વાવોલ અને સરગાસણની ૭ લાખ ચો.મી. જમીન સરકારે સંપાદન કરી હતી. સ્થાપના વખતે સેક્ટરોની રચના કરાઇ ત્યારે કર્મચારીઓને પાણીના ભાવે પ્લોટ સરકારે આપ્યા હતા તેમ છતા કર્મચારીઓ રહેવા આવતા ન હતા આજે આ કર્મચારીઓ અહીં કરોડના આસામી બની ગયા છે તેમ કહી શકાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *