મહુવા તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે કતપર બંદર તેમજ લાઇટ હાઉસ સહિતના આસપાસના અનેક ગામોના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં થયેલી વ્યાપક નુકસાનીનો સરકાર દ્વારા સર્વે કરી વહેલી તકે સહાયની ચૂકવણી કરવામાં આવે તેવી અસરગ્રસ્ત પરિવારોમાં પ્રબળ માંગ ઉઠવા પામી છે.

મહુવા શહેર અને પંથકમાં છેલ્લા ઘણા દિવસથી મેઘરાજા તાંડવ મચાવી રહ્યા છે તેના કારણે મહુવા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોના અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવા પામ્યા હતા. જેને લઈને આ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની ઘરવખરી સહિતનો માલસામાન પલળી જવા પામેલ છે. સ્થાનિક વહિવટીતંત્રની ગંભીર બેદરકારી અને લાપરવાહીના કારણે  લાંબા સમય સુધી આ દુષિત પાણીનો નિકાલ સમયસર થઈ ન શકયો હોવાના કારણે અનેક અસરગ્રસ્ત પરિવારોનો ઘરવખરીનો સામાન તેમજ કેટલાક ઘરોમાં અનાજ સંપૂર્ણપણે નાશ થઈ જવા પામ્યો હતો.

જેથી કરીને આ ગામોના લોકોને ભારે નુકસાની ભોગવી પડી હતી. જેને લઇ મહુવા તાલુકાના કતપર ગામના સામાજિક કાર્યકર કરણભાઈ બારીયા દ્વારા મહુવા તાલુકા વિકાસ અધિકારી, ધારાસભ્ય અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને વહેલી તકે આ ગામમાં આવી સર્વે કરી જે નુકસાન થવા પામ્યું છે તેઓને યોગ્ય સહાય આપવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે.