કપરાડામાં 6 કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ,દમણગંગા નદીમાં કાર સાથે ત્રણ લોકો તણાયાની આશંકા

ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડના કપરાડામાં 6 કલાકમાં સાડા નવ ઈંચ વરસાગ ખાબકતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આજે દિવસ દરમિયાન ખંભાળિયામાં 9 ઈંચ, વિસાવદરમાં 8 ઈંચ અને ધરમપુરમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા દોઢ મીટર ખોલી પાણી છોડવામાં આવી રહ્યું છે. તો ભાવનગર વાસીઓ માટે પણ સારા સમાચાર આવ્યા છે જિલ્લાની જીવાદોરી સમાન અને સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે.

વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી હોય આજે વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડના કપરાડામાં 6 કલાકમાં સાડા નવ ઈંચ વરસાદ વરસતા રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તો ધરમપુરમાં ચાર ઈંચ વરસાદ ખાબકતાં કોલક, પાર, તાન અને ઔરંગા નદીની જળસપાટીમાં વધારો થયો છે. લો લેવલના કોઝવે પર પાણી ફરી વળવાના કારણે 15 જેટલા રસ્તાઓ બંધ થયા છે. ધરમપુરના કેળવણી ખાતે લાવરી નદીનો કોઝવે પાણીમાં ડૂબી જતા લોકો ફસાયા હતા. તો મોટી પલસોન ગામે કરજલી-ખોરીપાડા પુલ પર વરસાદી પાણી ફરી વળવાના કારણે પ્રાથમિક શાળામાં ગયેલા વિદ્યાર્થીઓ ઘરે પરત ફરતી સમયે જીવના જોખમે પુલ પસાર કરતા જોવા મળ્યા હતા. કપરાડામાં ધોધમાર વરસાદના કારણે તીથલ-નાસિક સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા. મધુબન ડેમના 10 દરવાજા દોઢ મીટર ખોલવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ઓવરફ્લો
ભાવનગર જિલ્લામાં છેલ્લા અઠવાડિયા દરમિયાન વરસેલા નોંધપાત્ર વરસાદના કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આજે મોડી સાંજે ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. ભાવનગર અને પાલિતાણાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

શેત્રુંજી ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં.

નોરી નદીના પુલમાં ગાબડું
ભારે વરસાદના પગલે માંગરોળમાં નોરી નદીના પુલમાં ગાબડું પડ્યું છે, ધસમસતા પાણીના પ્રવાહમાં ગાબડું પડતાં શેખપુરા, વીરડી, લંબોરા અને ચોટલી સહિતનાં ગામોનો સંપર્ક તૂટ્યો છે, જેને લઇને ધારાસભ્ય કરગઠિયાએ સ્થળ મુલાકાત લઇ અધિકારીને તાત્કાલિક કામ કરવા સૂચના આપી છે.

મુખ્યમંત્રીએ ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું
છેલ્લા અઠવાડિયા દરમિયાન જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાની નદીઓમાં આવેલા ઘોડાપૂરના કારણે ખેતીને નુકસાન થયાનું અનુમાન છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ જૂનાગઢ કલેકટર કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ઘેડ પંથકમાં દર ચોમાસે ભરાતા પાણીને લઈ ચર્ચા કરવામાં આવી હતી. આ વર્ષે જે પાણી ભરાયાં છે એ ઓસર્યાં બાદ તાત્કાલિક સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે. સર્વે કરાયા બાદ સહાયની ચુકવણી કરાશે. દર વર્ષે સર્જાતી આ સમસ્યાના કાયમી નિવારણને લઈ પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ઘેડ વિસ્તારમાંથી પસાર થતી નદીઓ ઊંડી અને પહોળી કરવી, બમાણાસા અને બાલાગામમાં ઓજત નદીના પાળાઓ નદીની વહનશક્તિ મુજબ કરવા, નદી પર આવેલા હયાત સ્ટ્રક્ચરના ગાળા અપૂરતા હોય તો એની મરામત, જાળવણી અને નવા બનાવવાને લઈ ચર્ચા કરવામાં આવી હતી.

​​​​​ખંભાળિયામાં ભારે વરસાદ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદને પગલે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. બજારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તો કલ્યાણપુરની પણ આજ સ્થિતિ છે. ભારે વરસાદને પગલે પાણીના વહેણમાં ચાર બળદ ફસાઇ ગયા હતા, જેમનું પોલીસ અને ગ્રામજનોએ રેસ્ક્યૂ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *