આ લખાઈ રહ્યું છે ત્યારે એક ન્યુઝ ઝડપભેર સર્વત્ર ફરી રહ્યા છે. એ છે ‘ધ કેરલા સ્ટોરી’ને ખરીદવા કોઈ ઓટીટી પ્લેટફોર્મ આગળ આવ્યું નથી. એ માટેનું કારણ એ જણાવાઈ રહ્યું છે કે કોઈ પ્લેટફોર્મ એ ફિલ્મને હાથ લગાડવા ઉત્સુક નથી જે રાજકીય રીતે સંવેદનશીલ ગણાઈ છે. અરે પણ એમ તો ઘણી એવી ફિલ્મો પહેલાં પણ આવી અને આગળ પણ આવશે, તો શું? 

  સોની લિવ પર આજથી વિક્ટર મુખર્જી દિગ્દશત ફિલ્મ ‘લકડબઘ્ઘા’ પણ આવી છે. એ પણ ક્યારે થિયેટરમાં આવી અને ગઈ એની કોઈને ખાસ જાણ નથી. આ એક્શન થ્રિલર ફિલ્મમાં આયુષ્માન ઝા, રિદ્ધિ ડોગરા, પરેશ પાહુજા, મિલિંદ સોમણ જેવાં કલાકારો છે. 

 સુધીર મિશ્રા દિગ્દશત ‘અફવાહ’ ફિલ્મ પાંચમી મેએ થિયેટર્સમાં આવી હતી છતાં, શક્ય છે એનું નામ તમે ના સાંભળ્યું હોય. હવે એ આજથી નેટફ્લિક્સ પર આવી છે ત્યારે એ નક્કી કે દર્શકોને એની હયાતીની જાણ થશે. નવાઝુદ્દીન સિદ્દીકી, ભૂમિ પેડણેકર, શારીબ હાશમી, સુમીત વ્યાસ જેવાં કલાકારોની આ ફિલ્મ ઘેરબેઠા માણી શકાય એટલી તો સારી હશે જ. 

કંગના રનૌતે પ્રોડયુસ કરેલી ‘ટિકુ વેડ્સ શેરૂ’ તમે જોઈ? પ્લીઝ, કહો કે નથી જોઈ, કેમ કે એમાં જોવાયોગ્ય કશું નથી. ખરું કહો તો સવાલ એ ઊભો થાય છે કે શું વિચારી, ધારીને કંગનાએ આ ફિલ્મ બનાવી? સવાલ એ પણ થાય છે કે નવાઝુદ્દીને ફિલ્મ સાઇન કરી હશે ત્યારે એ ભાનમાં હશે કે ઊંઘમાં? હે ભગવાન…