દેશના અર્થતંત્ર પર ચોમાસાની નકારાત્મક અસરની તકો ઘટી

 વર્તમાન વર્ષના ચોમાસાના પ્રારંભિક નિર્દેશાંકો  દેશના અર્થતંત્ર પર નકારાત્મક અસર પડવાની તકો ઘટી ગઈ હોવાનું સૂચવે છે. વર્તમાન વર્ષમાં કૃષિ ઉત્પાદન ૨૦૨૨ની સરખામણીએ સારું રહેવાની પણ શકયતા જોવાઈ રહી છે.૨૦૨૨માં ચોમાસુ એકંદરે સામાન્ય રહ્યું હતું પરંતુ કેટલાક  રાજ્યોમાં વરસાદનું વિતરણ અસમાન હતું. અસમતોલ વરસાદને પરિણામે ગયા વર્ષમાં ખાધાખોરાકીનો ફુગાવો વધીને ૬.૭૦ ટકા જોવાયો હતો. અર્થતંત્ર પર વરસાદના વિતરણનું આંકલન મેળવવા એસબીઆઈ મોન્સુન ઈમ્પેકટ ઈન્ડેકસમાં   દેશના કૃષિ ઉત્પાદનની દ્રષ્ટિએ ૧૫ મોટા રાજ્યોમાં ચાર માપદંડોને ધ્યાનમાં લેવામાં આવે છે. 

આ માપદંડોમાં દેશના કુલ અનાજ ઉત્પાદનમાં જે તે રાજ્યોનું યોગદાન, સામાન્ય વરસાદ કરતા ઓછાવત્તા વરસાદની માત્રા, સિંચાઈ દરજ્જો તથા રાજ્યો વચ્ચે વરસાદની એકંદર સ્થિતિને ધ્યાનમાં લેવામાં આવે છે. ગયા સંપૂર્ણ ચોમાસાનો મોન્સુન ઈમ્પેકટ ઈન્ડેકસ ૬૦.૨૦ હતો જ્યારે વર્તમાન વર્ષનો આ ઈન્ડેકસ અત્યારે જ ૬૪.૦૦ જોવા મળી રહ્યાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જે ચોમાસાની સ્થિતિ સારી હોવાના સંકેત આપે છે. આ ઈન્ડેકસ ૯૦ સુધી પહોંચવાની ધારણાં છે જે અર્થતંત્ર ચોમાસાની નકારાત્મક અસર કંઈજ નહીં રહે તે સૂચવે છે. વર્તમાન વર્ષનું ચોમાસુ સામાન્ય રહેવા વેધશાળાએ આગાહી કરી છે.